Vadodara Chain Snatching : વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં શાકભાજી ખરીદી સોસાયટીમાં પરત પ્રવેશતાની સાથે જ ગઠિયાએ નિવૃત્ત બેંક કર્મચારી વૃદ્ધના ગળામાંથી રૂ.2 લાખની કિંમતની સોનાની ચેન તોડી ફરાર થઈ જતાં કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોમા તળાવ વિસ્તારમાં આવેલ ઉમા નગર સોસાયટીમાં રહેતા 64 વર્ષના વિનોદભાઈ ચૌહાણ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ફરિયાદ મુજબ, ગઇકાલે તા.18 જાન્યુઆરીએ સવારે તેઓ સોમા તળાવ ચાર રસ્તા પાસે શાકભાજી ખરીદવા પગપાળા ગયા હતા. શાકભાજી ખરીદી બાદ તેઓ પરત પોતાની સોસાયટીમાં પ્રવેશતા હતા, તે સમયે 20 થી 25 વર્ષની ઉંમરનો એક અજાણ્યો શખ્સ મોઢે રૂમાલ અને માથે ટોપી પહેરી હોઈ અચાનક તેમની પાસે ધસી આવ્યો હતો.
આ ગઠિયાએ વિનોદભાઈના ગળામાં પહેરેલી રૂ.2 લાખની કિંમતની તથા બે તોલા વજન ધરાવતી સોનાની ચેન તોડી સોમા તળાવ ચાર રસ્તા તરફ નાસી છૂટ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સુભાનપૂરા હાઈટેન્શન રોડ પર આવેલી સોસાયટીમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં સવારના સમયે મંદિરે દર્શન કરવા જઈ રહેલી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે ગઠિયાઓએ રૂ.1.30 લાખની સોનાની ચેન તોડી ફરાર થયા હતા.


