વડોદરામાં 6 અછોડા લૂંટનાર સિકલીગર ગેંગના બે લૂંટારા પકડાયાઃ10 લાખનાે મુદ્દામાલ કબજે
વડોદરાઃ શહેરમાં સવા મહિનામાં અડધો ડઝન અછોડા લૂંટનાર સિકલીગર ગેંગના આંતરરાજ્ય ગુનેગાર અને તેના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૃ.૧૦ લાખની મત્તા કબજે કરી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અછોડા લૂંટવાના બનાવો બન્યા હતા.જેમાં ગઇ તા.૯મીએ એક જ કલાકમાં પંડયા બ્રિજ પર ચાર તોલાનો અને રેસકોર્સ પાસે એક મહિલાનો અછોડો લૂંટવાના બે બનાવ બન્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામ બનાવોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરતાં નામચીન ગુનેગાર સોનુસિંગ ઓળખાયો હતો.ગઇકાલે ડભોઇ- તરસાલી હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન બાઇક પર જતા સોનુસિંગ બલવીરસિંગ ભોંડ(સિકલીગર) (ભેસ્તાન આવાસ,ડિંડોલી, સુરત અને સતનામ નગર,ઉધના મૂળ નાંદેડ, મહારાષ્ટ્ર) તેમજ બીજી બાઇક પર સવાર તેના સાગરીત જસપાલસિંગ પાપાસિંગ બાવરી(સિકલીગર)(એકતાનગર,આજવા રોડ,વડોદરા)ને ઝડપી પાડયા હતા.
પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી સોનાની ચાર ચેન અને બે મંગળસૂત્ર મળી આવ્યા હતા.આ તમામ અછોડા તેમણે સવા મહિનાના ગાળામાં અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટયા હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે બંને બાઇક અને મોબાઇલ પણ કબજે લીધા હતા.
ટોપી અને વીગ પહેરતા હતા,નંબર પ્લેટ કાઢી નાંખતા હતા
બંને લૂંટારા પોતાની ઓળખ છુપાવવા માટે વીગ લૂંટ કરતી વખતે વીગ પહેરી ટોપી પહેરતા હતા.જ્યારે,કેમેરાથી બચવા માટે મોટર સાઇકલ પરની નંબર પ્લેટ કાઢી નાંખતા હતા અથવા તો તેના પર માટી લગાવી દેતા હતા.
સોનુસિંગ સામે મહારાષ્ટ્ર,રાજકોટ અને સુરતમાં પણ ગુના
પોલીસે કહ્યું છે કે,પકડાયેલા બંને અછોડા તોડો સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.જેમાં સોનુસિંગ સામે વડોદરા, રાજકોટ,સુરત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ, વાહન ચોરી,અછોડાની લૂંટ સહિતના ૧૧ ગુના નોંધાયેલા છે અને પાસા પણ થઇ છે. આવી જ રીતે જસપાલસિંગ સામે બારડોલી, બાપોદ અને કારેલીબાગમાં લૂંટ,ચોરી અને વાહનચોરીના ૫ ગુના નોંધાયેલા છે.