Get The App

પૂર્વ કચ્છમાંથી ઝડપાયેલી ચડ્ડી ગેંગે ગુજરાતમાં ઠેક ઠેકાણે ચોરીઓ કરી હતી

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
પૂર્વ કચ્છમાંથી ઝડપાયેલી ચડ્ડી ગેંગે ગુજરાતમાં ઠેક ઠેકાણે ચોરીઓ કરી હતી 1 - image

ગબી ગેંગના બે સભ્યો 7 દિવસના રિમાન્ડ ઉપર

ગબી ગેંગના સાગરિતો સામે અમદાવાદ, વિદ્યા નગર, દેવગઢ બારીયા, સાણંદ, ધોળકા, પેટલાદ, દાહોદ સહિતના સ્થળે નોંધાયેલા ચોરીના ગુનાઓ

ભુજ: પૂર્વ કચ્છમાંથી ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી, બુકાનીધારી ગબી ગેંગના બે સાગરિતોને પોલીસે પકડી પાડયા બાદ તેઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે રાપર પોલીસે ચડી ગેંગનો  ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કર્યું હતું. ચડી ગેંગના સાગરિતોએ કચ્છ સહિત અમદાવાદ મળી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરીના બનાવોને અંજામ આપ્યાની કબુલાત આપી છે. 

પૂર્વ કચ્છમાં તરખાટ મચાવનાર ચડ્ડી  બુકાનીધારી ગબી ગેંગના બે સાગરિતને પોલીસે પકડી પાડયા હતા. આ ટોળકીએ પૂર્વ કચ્છમાં  દશેક ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.  આ ચડ્ડી બુકાનીધારી ગેંગ અગાઉ રાપરમાં સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ટોળકીએ  જુદા- જુદા વિસ્તારોના બંધ મકાનોમાંથી મોટો હાથ માર્યો હતો.  ચોરી કરીને નાસ  જવામાં માહિર ગેંગે પૂર્વ કચ્છ પોલીસને  રીતસર  દોડાવી હતી. પરંતુ હાથમાં આવતી નહોતી. દરમ્યાન  આ પ્રકરણમાં ગબી ગેંગ સંડોવાયેલ હોવાનું તથા તેના બે સાગરિત ટંકારા તાલુકાના હડમતિયા ખાતે હોવાની પૂર્વ બાતમીના આધારે એક ટીમ ત્યાં ગઇ હતી અને ત્યાંથી  દાહોદના મુમદ નરિયા વીરિયા મોહનિયા તથા દીપસંગ ઉર્ફે દીપો ગબલા તંબોળિયાને એક વાડીમાંથી ઝડપી પાડયા હતા.

 આ ગેંગનો મુખ્ય સુત્રધાર  ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ વીરિયા ખીમલા મોહનિયા તથા બાબુ નારસિંગ વહુનિયા હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ બંને  મુખ્ય શખ્શો હજુ હાથમાં આવ્યા નથી.આ ટોળકીએ રાપરમાં બે, ગાંધીધામ બી-ડિવિઝનમાં બે, એ-ડિવિઝનમાં ચાર અને આદિપુર-અંજારમાં એક-એક ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. પકડાયેલા બે શખ્સ પૈકી દીપસંગ વિરૂધ્ધ અગાઉ વિદ્યા નગર, દેવગઢ બારિયા, નરોડા વગેરેમાં ચાર ગુના નોંધાયેલા છે. હાથમાં ન આવેલા સાળો-બનેવી એવા બાબુ સામે અડાલજ, સોલા હાઇકોર્ટ, સાણંદ, ઇન્ફોસિટી, બોપલ, કણભા વગેરે જગ્યાએ ૧૦ ગુના નોંધાયેલા છે તેમજ ગબી ઉર્ફે ગોપાલ સામે ધાનપુર, બોપલ, ધોળકા, સાણંદ, અડાલજ, પેટલાદ, દાહોદ વગેરે જગ્યાએ  ૧૬ જેટલા ઘરફોડ ચોરીના ગુના છેલ્લા દસેક વર્ષમાં  નોંધાયેલા છે. આ બધા વણ ઉકેલયા ગુનાની તપાસ કરવા માટે રાપર પોલીસ દ્વારા રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બંને શખ્શોના કોર્ટ દ્વારા  સાત દિવસ ના રિમાન્ડ  પર સોંપવામાં આવ્યા છે. આગામી ૧૪ તારીખ સુધી રિમાન્ડ પર હોવાનું રાપર પીઆઇ જે.બી.બુબડીયા તથા સેંકડ પીઆઇ એસ.વી.ચૌધરી એ જણાવ્યું હતું. આ બંને શખ્શોના મુખ્ય સુત્રધારોને પકડી પાડવા તથા ગેંગમાં અન્ય  કોણ-કોણ છે તે સહિતની વિગતો માટે પકડાયેલા શખ્શોને રિમાન્ડની  માંગ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એલસીબી તથા રાપર પોલીસ જોડાઇ હતી. પકડાયેલા શખ્સો પાસેથી  રૂા. ૧,૨૫,૩૫૦ની સોનાંની લગડી તથા બે મોબાઇલ જપ્ત  કરાયા હતા.

દરમિયાન, આજરોજ આજે સવારે રાપર શહેર ના દેના બેંક ચોક એસટી રોડ અયોધ્યાપુરી તથા જે બંઘ મકાનોમાં ચોરી ને અંજામ આપ્યો હતો તે સ્થળે આરોપી ને સાથે લઈ ને રાપર પીઆઇ જે.બી.બુબડીયા તથા સેંકડ પીઆઇ એસ.વી.ચૌધરી પીએસઆઈ ડી.આર.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા આરોપીઓ ને રિકન્ટ્ર્કશન માટે ઘટના સ્થળે લઈ આવી હતી જેમાં આરોપીઓએ ક્યાં સ્થળે ચોરી કરી હતી તે દર્શાવેલ હતું.

- કચ્છમાં આવી ચડ્ડી ગેંગના સભ્યો સામખિયાળી ઉતરી દિવસે રેકી કરતા રાત્રે ચોરી કરતા

 આ ગેંગ જુદા-જુદા વિસ્તારોમાં વાડીઓમાં કે અન્ય જગ્યાએ  રહેતી હતી અને બનાવને અંજામ આપવાનું હોય ત્યારે  પોતાના મોબાઇલ ઘરે મૂકી આવતા અને સરકારી કે ખાનગી બસોમાં બેસીને પહેલા સામખિયાળી જેવા સેન્ટરમાં ઊતરતા હતા,ત્યાંથી ગેંગના સભ્યો જુદી-જુદી દિશાઓમાં નીકળી જતા હતા. દિવસ દરમ્યાન જે-તે ઘર- વિસ્તારની  રેકી કરી લેતા અને અવાવરૂ જગ્યાએ છુપાઇ રહેતા હતા. રાત્રે  કપડાં ઉતારી શરીરે બાંધી લેતા અને બિયાનની બુકાની બનાવી ચપલ, બૂટ હાથમાં લઇને ચોરીના બનાવોને અંજામ આપતા હતા. ચડ્ડી બુકાનીધારી આ ગેંગ બનાવને અંજામ આપ્યા બાદ કપડાં પહેરી લઇ ત્યાંથી નાસી જતી હતી. પૂર્વ કચ્છમાં આ ટોળકી છેલ્લા બે-અઢી વર્ષથી હાથ મારીને નાસી જતી હતી. રાપર, ગાંધીધામના ગુરુકુળ, અંજારમાં લાગેલા જુદા-જુદા સીસીટીવી કેમેરામાં આ ચડ્ડી બુકાનીધારી ગેંગ નજરે પડી હતી.