Get The App

CGSTમાં કાયમી નોકરીના નામે રૂ. 8.30 લાખ ઓળવી લીધા

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
CGSTમાં કાયમી નોકરીના નામે રૂ. 8.30 લાખ ઓળવી લીધા 1 - image

ACBના અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સ સામે ફરિયાદ  : આરોપી હાલ ચેક રિર્ટનના ગુનામાં જેલમાં, હવે ગાંધીગ્રામ પોલીસ ચીટિંગ કેસમાં કબજો લેશે

રાજકોટ, :ન્યુ રેલનગરમાં શિવાલય ચોકની પાછળ મધુવન બંગ્લોઝમાં રહેતાં એસબીઆઈના નિવૃત કર્મચારી જગદિશભાઈ ચૌહાણ (ઉ.વ. 61)ના સીજીએસટીમાં કોન્ટ્રાકટ બેઈઝ ઉપર નોકરી કરતાં પુત્રને કાયમી કરાવી દેવાની લાલચ આપી એસીબીના અધિકારી તરીકે ઓળખ આપનાર આરોપી દેવરાજ વાલજીભાઈ ગોહિલ (રહે. ગંજીવાડા- 9)એ રૂ. 8.29 લાખ ઓળવી લીધાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદમાં જગદિશભાઈએ જણાવ્યું છે કે 10 વર્ષ પહેલાં એસબીઆઈની જીમખાના શાખામાં સિનીયર હેડ મેસેન્જર તરીકે નોકરી કરતા હતા ત્યારે આરોપી ઘણીવાર પૈસા જમા કરાવવા આવતો હોવાથી ઓળખાણ થઈ હતી. તે વખતે આરોપીએ પોતે એસીબીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.

2020માં તેની યુનિ. બ્રાંચમાં બદલી થઈ હતી. જયાં 2024માં આરોપી બહેરીનની પાર્ટીના પૈસા ઉપાડવા આવતા વાતચીત થઈ હતી. થોડા દિવસો બાદ ફરીથી બહેરીનની પાર્ટીના પૈસા ઉપાડવા આવતા સાથે ચા પીધી હતી. તે વખતે આરોપીએ સીજીએસટીમાં કોન્ટ્રાકટ બેઈઝ ઉપર નોકરી કરતાં તેના પુત્ર જયપાલને કાયમી કરાવી દેવાની વાત કરી રૂ. 8 લાખની માગણી કરી હતી. 

તેણે હા પાડયા બાદ કટકે-કટકે આરોપીને રૂ. 8.29 લાખ ચુકવ્યા હતા. તેના થોડા સમય બાદ આરોપીએ તેના પુત્રનો સીજીએસટીનો કોલ લેટર બતાવી કહ્યું કે ઓફિસની મંડળીમાં સભ્ય થવા માટે ડિપોઝીટ પેટે રૂ. 55,000 આપવા પડશે. જેથી તેણે તે રકમ પણ આપી હતી.  ત્યાર પછી આરોપીએ કોલ કરી કહ્યું કે તે એક માઠા પ્રસંગમાં હોવાથી કોલ નહીં લાગે, બાકી તમારા પુત્રની બધી પ્રોસેસ થઈ ગઈ છે. થોડા દિવસોમાં ઓર્ડર મળી જશે. પંદરેક દિવસ પછી ફરીથી આરોપીનો સંપર્ક કરતાં થયો ન હતો.  આરોપીના બીજા નંબર ઉપર કોલ કરતાં તેના પુત્ર આદિત્યે ઉપાડી કહ્યું કે તેના પિતા હાલ ઘરે નથી, તેના દાદા વાલજીભાઈ સાથે વાત કરાવતાં તેણે પુત્ર હાલ જેલમાં હોવાનું કહ્યું હતું. 

આ રીતે આરોપી તેના રૂ. 8.29 લાખ ઓળવી જતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંભવત: ચેક રીર્ટનના ગુનામાં જેલમાં રહેલા આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.