સીજીએસટીમાં મેન્યુઅલ રિફંડ ઇશ્યૂ કરી આપવામાં અધિકારીઓના ધાંધિયા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
સેન્ટ્રલ જીએસટીના અમદાવાદ અને ગુજરાતના અધિકારીઓ વેપારીઓના જીએસટીના રીફંડ આપવામાં ભયંકર ધાંધિયા કરી રહ્યા છે. આ સ્થિતિમાં સુધારો લાવવો અનિવાર્ય બની ગયો છે. રીફંડ ઇશ્યૂ કરવામાં ભંયકર તુમારશાહી ચાલી રહી છે. જીએસટીના ટોચના અધિકારીઓએ મેન્યુઅલ રીફંડ પણ ઝડપથી ઇશ્યૂ થઈ જાય તેની તકેદારી રાખવી જરૃરી છે. રીફંડની પ્રક્રિયાનું ટોચના સીજીએસટી અધિકારીઓ મોનિટર કરે તે જરુરી છે. તેમ નહિ થાય તો ગુજરાતમાં રીફંડની સમસ્યા કાયમી જ રહેશે.
જીએસટીનું રિફંડ આપતા પૂર્વે ડિપાર્ટમેન્ટ ખરીદી કરનાર વેપારીએ લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બરાબર છે કે નહિ તેની ખરાઈ કરીને ડિપાર્ટમેન્ટને જાણ કરવાની વેપારીને ફરજ પાડે છે. ખરીદી સાચી છે તે પુરવાર કરવા વેપારીને જણાવે છે. તે વેપારી પાસે સ્ટોક કેટલો છે તેની માહિતી આપવાની ફરજ પાડે છે. તે વેપારીની નામંજૂર થયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટની વિગતો પણ વેપારીને જ લાવી આપવા જણાવે છે. તે પાર્ટીના ઓડિટ રિપોર્ટ રજૂ કરવા જણાવે છે. આઈટીસી મેચિંગ કરી આપવા જણાવે છે. આઈટીસીમાં મિસમેચ આવે તે તેટલી આઈટીસી ઘટાડી દે છે. રીફંડ ૬૦ દિવસમાં આપી દેવાનો નિયમ છે. પરંતુ ૫૫થી ૫૭ દિવસ ચૂપ બેસી રહેતા અધિકારીઓ છેલ્લી ઘડીએ તેમાં ઇન્વાયરી કાઢે છે
સીજીએસટી એક્ટની કલમ ૫૪ હેઠળ રિફંડ માટેની ગાઈડલાઈન્સ આપેલી છે. આ ગાઈડલાઈન્સ પ્રમાણે જ વિગતો માગવાની હોય છે. પરંતુ સીજીએસટીના અધિકારીઓ પોતાની મરજી પ્રમાણેને વિગતો માગીને વેપારીઓને પરેશાન કરે છે. અધિકારી રીફંડનો ક્લેઈમ રિજેક્ટ કરે તો વેપારીએ નવેસરથી પ્રોસિજર કરીને બે મહિના ફરી રાહ જોવી પડે છે.
જીએસટીના રજિસ્ટ્રેશનની પણ મોટી સમસ્યા છે. ગુડ્સમાં રજિસ્ટ્રેશન કરાવવા માટેની પાયાની મર્યાદા રૃા. ૪૦ લાખની અને સર્વિસિમાં રૃા. ૨૦ લાખની છે. કલમ ૨૫(૧)ંમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે અરજદાર વેપારીનું ટર્નઓવર રૃા. ૪૦ લાખ કે રૃા. ૨૦ લાખની પાયાની મર્યાદાને વળોટી જાય એટલે તરત જ વેપારીએ રજિસ્ટ્રેશન માટેની અરજી કરી દેવાની હોય છે. આ અરજી કરવા માટે વેપારીને ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે.
આ રજિસ્ટ્રેશન કરાવવા માટેની અરજી કરનાર વેપીરીઓની સમસ્યા એ છે કે અરજી કર્યા પછી રજિસ્ટ્રેશનની તારીખ નક્કી કરવાની સીજીએસટીના ડિપાર્ટમેન્ટની પદ્ધતિને કારણે ઊભી થાય છે. ઉદાહરણ આપીને વાત કરીએ. ગુડ્સના એક વેપારીનું રૃા. ૪૦ લાખનું ટર્નઓવર પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના થઈ જાય છે. તેથી તેને રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો ૩૦ દિવસ મળે છે. વેપારીએ ૧૦મી જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે અરજી કરી દીધી છે. ડિપાર્ટમેન્ટને આ અરજીની પ્રક્રિયા કરવા માટે જોઈતો સમય લે છે. આ રજિસ્ટ્રેશન તે વેપારીને ૨૫મી ફેબુ્રઆરીએ આપી દે છે. હવે ડિપાર્ટેમેન્ટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પર ૨૫મી ફેબુ્રઆરીની તારીખ નાખવામાં આવે છે. આમ દોઢ મહિના પછીની તારીખ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પર નાખવામાં આવે છે.
તેને કારણે વેપારીઓએ મોટી સમસ્યાન સામનો કરવો પડી રહ્યો છે. વચગાળામાં એટલે કે ૧૦મી જાન્યુઆરીથી ૨૪મી ફેબુ્રઆરી સુધીમાં કરેલા વેપારના વહેવાર પરનો જીએસટી તે વેપારી કઈ રીતે વસૂલી શકશે. આ જીએસટીની રકમ પર તે કઈ રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે.
સીજીએસટી એક્ટની કલમ ૪૦માં જણાવવામાં આવ્યું છે કે વેપારી તેની રૃા. ૪૦ લાખ કે રૃા. ૨૦ લાખની મર્યાદા જે દિવસે વળોટી જાય તે જ દિવસથી વેપારીએ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. પરંતુ રજિસ્ટ્રેશન ડેટ અને અરજી વચ્ચેનો ગાળો ૪૫ દિવસનો છે. આમ ટનઓવરની મર્યાદા વળોટયાના તો ૫૫ દિવસ વીતી ગયા છે.








