વિકાસ સહાયની મુદ્ત વધારવા ગૃહ વિભાગે શનિવારે કેન્દ્રને જાણ કરી હતી
નવા ડીજીપી મુદ્દે દિવસભર સસ્પેન્સ જળવાયેલુ રહ્યું
કેન્દ્ર સરકારે ગુજરાત ગૃહવિભાગને વિકાસ સહાયના એક્સટેન્શન મુદ્દે જાણ ન કરતા અસમંજસ સર્જાઇ હતી
અમદાવાદ,સોમવાર
ડીજીપી વિકાસ સહાય સોમવારે વય મર્યાદાને કારણે નિવૃત થવાના હતા. પરંતુ, શનિવારે જ ગૃહવિભાગે તેમની મુદ્દતમાં વધારો કરવા માટે દિલ્હીમાં કેન્દ્ર સરકારને જાણ કરતો પત્ર લખ્યો હતો. જે અનુસંધાનમાં દિલ્હીમાં મળેલી બેઠક બાદ છ મહિનાની મુદ્દત વધારવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ, આ મામલે ગુજરાતના ગૃહવિભાગને મોડે સુધી ઓર્ડર ન મોકલતા તેમની નિવૃતિ અંગે દિવસભર સસ્પેન્સ જોવા મળ્યુ હતું.
રાજ્ય સરકારે વિકાસ સહાયની ડીજીપી તરીકેની મુદ્દત લંબાવવામાં આવે તે માટે શનિવારે કેેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. જો કે સોમવારે આ અનુસંધાનમાં દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગની બેઠક એક વાગ્યા પછી મળી હતી અને વિકાસ સહાયને ડીજીપી તરીકે વધારાના છ મહિનાની મુદ્તનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય સંજોગોમાં નિર્ણય લીધા બાદ કેન્દ્ર સરકાર ફોન કરીને પહેલા ગૃહવિભાગે મૌખિક જાણ કરે છે અને ત્યારબાદ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે પત્ર મોકલે છે. પરંતુ, કેન્દ્ર સરકાર તરફથી બેઠક બાદ કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. જેથી બપોરે તેમની નિવૃતિની અટકળો વહેતી થઇ હતી. બીજી તરફ મોડે સુધી દિલ્હીથી જાણ ન થઇ ન હોવાથી ગૃહવિભાગના અધિકારીઓ પણ મુંઝવણમાં હતા.
જેના કારણે વિવિધ અટકળો વચ્ચે વિદાય માટેનો મંડપ બંધાવવા સુધીની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ચુકી હતી. છેવટે મોડેથી કેન્દ્ર સરકારે સત્તાવાર જાણ કરતા ડીજીપી વિકાસ સહાયની મુદ્દત છ મહિના સુધી વધારવાનો પરિપત્ર જાહેર કરાયો હતો. આમ, પ્રથમવાર કોઇ ડીજીપીના નિવૃતિના દિવસે આખો દિવસ સસ્પેન્સ રહ્યુ હતુ.