Godhra Panchmahal News : ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા છતાં, પંચમહાલ જિલ્લાના ગોધરામાં હજુ સુધી ખરીદી કેન્દ્રો શરૂ થઈ શક્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની બેદરકારી અને સરકારના આદેશોની અવગણના સ્પષ્ટપણે સામે આવી છે.
ગુજરાત સમાચારના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે, ગોધરાના દરમિયા ખાતે આવેલું ખરીદી કેન્દ્ર હજુ સુધી શરૂ થયું નથી. ટેકાના ભાવે પાક વેચાણની આજથી (સોમવાર) જાહેરાત હોવા છતાં, એક પણ ખેડૂત પોતાનો પાક વેચવા માટે કેન્દ્ર ખાતે આવ્યો ન હતો, કારણ કે તેમને આવવા માટે કોઈ મેસેજ મળ્યો ન હતો.
ગોળ ગોળ વાતો અને ઓર્ડરની રાહ
જવાબદાર અધિકારીઓને આ અંગે પૂછવામાં આવતા, તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા કે હજુ તો આવતીકાલથી (મંગળવાર) ખરીદી શરૂ થશે. આ સ્પષ્ટ બેદરકારીને કારણે 900 જેટલા નોંધાયેલા ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે વેપારીઓ પાસે મજબૂર થવું પડી રહ્યું છે.
જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરનું નિવેદન
"ગોધરામાં બે સેન્ટર છે, પણ બન્નેમાંથી કોઈ જગ્યાએ આજે સોમવારે ખરીદી શરૂ નથી થઈ. સરકારની જાહેરાત છે, પણ અમને ઓર્ડર નથી મળ્યો."
પંચમહાલ જિલ્લા પુરવઠા નિગમના ડીએસએમ સોનલબેન
ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "સેન્ટર ચાલુ થઈ ગયા છે, પણ કાલથી ખરીદી શરૂ થશે. આજે કલેક્ટર જોડે બેઠક છે, ઓર્ડર મળતા કાલે મંગળવારથી સેન્ટર શરુ કરાશે."
અન્ય એક અધિકારીનો ખુલાસો
"ગોધરામાં બે કેન્દ્ર છે, પણ બન્નેને આજે કેન્દ્ર શરૂ કરવાનો ઓર્ડર હજુ મળ્યો નથી, એટલે સેન્ટર ચાલુ જ નથી કર્યા. આજે ઓર્ડર મળી જશે."
ખેડૂતોમાં આક્રોશ: કાર્યવાહી ક્યારે?
સરકારની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, અધિકારીઓની ઢીલી નીતિ અને સમયસર ઓર્ડર ન મળવાને કારણે ખેડૂતોની હાલાકી વધી છે. ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે સરકારની જાહેરાત છતાં કેમ માર્કેટ શરૂ નથી થયું અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ?
સત્તાવાર ઓર્ડર અને અધિકારીઓની બેઠકોના તાલમેલમાં રાજ્યની અન્ન અને પુરવઠા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. હવે જોવું રહ્યું કે આવતીકાલથી ખરેખર ખરીદી શરૂ થાય છે કે પછી ખેડૂતોને વધુ રાહ જોવી પડે છે.


