પાદરા.તા ૨૧ છેલ્લા બે વર્ષથી દારૃના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ વસ્તી ગણતરીનો સ્ટાફ બની હતી અને આખરે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયો હતો.
પાદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં દારૃનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી સુરેન્દ્રગીરી ગોરધનગીરી ગોસ્વામી (રહે.રાજીવ મંગરા પુંજલા, જોધપુર,રાજસ્થાન)નું નામ ખૂલ્યા બાદ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. પાદરા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.
દરમિયાન તે પોતાના વતનમાં જ હોવાની માહિતી મળી હતી અને પોલીસે સોશ્યલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબરથી લોકેશન મેળવ્યુ હતુ. તપાસમાં આરોપી જોધપુરના મંગરા પુંજલા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી.
જોધપુર પહોંચ્યા બાદ આરોપીનું સરનામું શોધવું પડકારજનક બન્યું હતું કારણ કે વિસ્તારમાં મોટી સંખ્યામાં સમાન પ્રકારના મકાનો આવેલા હતા. ત્યારે પોલીસ કર્મચારીઓએ વસ્તી ગણતરીના કર્મચારીઓ તરીકે કામગીરી કરી આશરે ૮ થી ૧૦ મકાનોની ચકાસણી બાદ આરોપીના મકાન સુધી પહોંચી હતી. પોલીસે વસ્તી ગણતરીના બહાને દરવાજો ખખડાવતા આરોપી બહાર આવ્યો હતો. તેની ઓળખની ખાતરી થતાં જ તેને ઝડપી લેવાયો હતો.


