સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની હત્યા કે આપઘાત : CBI તપાસની માંગ


- ચૂંટણીમાં નેતાએ પોતાની મનમાની કરવા દબાણ કર્યાની ચર્ચા  

અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે આત્મહત્યા નહી પણ તેઓની હત્યા તે મુદ્દાએ જોર પકડયું છે. બીજી તરફ મૃતકના ભાઈએ સ્થાનિક પોલીસ પર ભરોસો ન હોવાનું જણાવી સીબીઆઈ કે અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા માંગ કરી છે. સ્થાનિક પોલીસે પરિવારના સભ્યો સ્થળ પર પહોંચે તે પહેલા દોઢ કલાકના ગાળામાં બુલેટ ઝડપી તપાસ કરી લીધી હતી. પોલીસ અધિકારીઓએ પરિવારના  સભ્યોની રાહ જોયા વગર અધિકારીનું મકાન ખોલીને તપાસ કરી તેમજ અધિકારીએ જયાંથી પડતું મુક્યાની વાત છે, તે ટેરેસ નોનયુઝ હોવાથી અન્ય કોઈના પંજાની છાપ હતી કે નહી તે પણ પોલીસે પરિવારને બતાવ્યું નથી. મૃતકના શર્ટના ખુલ્લા બટન અને ફાટી ગયેલું ખિસ્સુ તેમજ પોલીસની સ્થળ પર ઝડપી તપાસના મુદ્દે હત્યાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે. આ ઉપરાંત મૃતકે અત્યાર સુધી પાંચ ચૂંટણીમાં ફરજ બજાવી ચુક્યા તેમજ બનાવના દીવસે પત્ની અને પુત્ર સાથે વીડિયો કોલમાં વાત કરી ત્યારે પણ તણાવમાં લાગતા ન હતા. 

પરિવારની ગેરહાજરીમાં પોલીસે મકાનમાં તપાસ કરી તે શંકાસ્પદ:વીડિયો કોલમાં પત્નીને પતિ તણાવમાં ના લાગ્યા 

સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલના રહસ્યમય મોતને પગલે ચૂંટણી દરમિયાન પોતાની મનમાની કરવા માંગતા નેતા અમુક ઉમેદવારોના ફોર્મ રદબાત્તલ કરવા તેમજ મતદાર યાદીમાં કેટલાક નામ દૂર કરવા દબાણ કરતા હોવાની ચર્ચા શરૂ થઈ છે. રાજેન્દ્ર પટેલે આ નેતાન માંગણીઓ સાથે સહમતી સાધવાની ના પાડી દીધા બાદ સમગ્ર વિવાદ શરૂ થયાની ચર્ચા  છે. આ વિવાદ બાદ રાજેન્દ્ર પટેલની રહસ્યમય આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે ઓફિસ જવા નીકળે તે પહેલા પત્ની અને પુત્ર સાથે વીડિયો કોલ કર્યો તેમજ ચાર મિનિટ સુધી વાત કરી હતી. તે સમયે પત્નીન પતિ કોઈ તણાવમાં હોય તેવો અણસાર આવ્યો નથી. બીજી તરફ ડ્રાઈવરને સવારે ૯.૨૪ વાગ્યે ફોન કરીને આવી જવા માટે સૂચના આપનાર રાજેન્દ્ર પટેલ પાંચમા માળે આવેલી ટેરેસ પર જઈ કઈ રીતે આત્મહત્યા કરે? તે સવાલ પરિવારે ઉપસ્થિત કર્યો છે. બીજી તરફ આત્મહત્યા જેવા કેસમાં પોલીસની તપાસમાં સમય જતો હોવા છતાં રાજેન્દ્ર પટેલના કેસમાં પોલીસે બુલેટ ગતિએ તપાસ કરી લીધી હતી. જે ટેરેસ પરથી પટેલે ઝંપલાવ્યાની વાત છે તેની પોલીસે તપાસ કરી લીધી તેમજ પરિવારની ગેરહાજરીમાં મકાન ખોલીને ફટાફટ બધું ચેક કરી લીધું હતું.પરિવારના સભ્યો પહોંચ્યા ત્યારે પોલીસે મૃતક રાજેન્દ્ર પટેલનું પર્સ તેમના ભાઈના હાથમાં આપ્યું હતું. આમ, પોલીસની તપાસ પર વિશ્વાસ ન હોવાનો સૂર વ્યક્ત કરી મૃતકના ભાઈ હર્ષદભાઈ પટેલે સીબીઆઈ કે સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ હોવાનું વાતચીતમાં જણાવ્યું હતું. 

પ્રાંત અધિકારીની હત્યા થયાનો મૃતકના ભાઈની શંકા અને મુદ્દા

- મૃતકના શર્ટના બટના ખુલ્લા હોવાથી ઝપાઝપી થયાની શંકા 

- શર્ટનું ખિસ્સું નીચેથી કેવી રીતે ફાટયું તે  તપાસનો મુદ્દો 

- રાજેન્દ્ર પટેલ તણાવમાં હોત તો ડ્રાઈવરને લઈ જવા ફોન કર્યા બાદ કેમ ઝંપલાવ્યું?

- પત્ની અને પુત્ર સાથે ચાર મીનિટ વીડિયો કોલ પર વાત કરી તણાવ જોવા ના મળ્યો

- પાંચ ચૂંટણીઓમાં ફરજ બજાવી ચૂકેલા પટેલને આ જ ચૂંટણીમાં કેમ ડિપ્રેશન આવ્યું?

- ડિપ્રેશનમાં હતા, તો કોણું દબાણ હતું?

- પોલીસે પરિવાર પહોંચે તે પહેલા ઘર ખોલી કેમ તપાસ કરી? 

City News

Sports

RECENT NEWS