44ADને બદલે 44ADAમાં રિટર્ન ફાઈલ કરનારા પ્રોફેશનલ્સને આવકવેરા ખાતાની નોટિસ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
આવકવેરા ખાતાએ આવકવેરા ધારાની કલમ ૪૪એડીને બદલે કલમ ૪૪એડીએમાં ભરી દઈને આવકવેરા જવાબદારી ઓછી અદા કરનારાઓને નોટિસો પાઠવવા માંડી છે. આવકવેરા ખાતાએ કયા વ્યવસાયની વ્યક્તિઓએ કયા કોડ હેઠળ રિટર્ન ફાઈલ કરવાનું છે તે માટેના કોડ નક્કી કરી આપ્યા હોવા છતાંય આવકવેરાના રિટર્ન જુદાં કોડ હેઠળ ભરીને કરચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી આ નોટિસો આપવામાં આવી છે.
કલમ ૪૪એડીમાં ઇન્ટિરિયર ડિઝાઈનર, કાયદાની પ્રેક્ટિશ કરનારા, એકાઉન્ટન્ટ, આર્કિટેક્ચર, કંપની સેક્રેટરી, એન્જિનિયર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, લીગલ પ્રોફેશન કે ટેકનિકલ કન્સલ્ટન્સી કરનારાઓને કલમ ૪૪એડી હેઠળના પ્રોફેશનલ ગણવામાં આવ્યા છે.
અમદાવાદના એક ડૉક્ટરની વાર્ષિક આવક રૃ. ૩૮ લાખની હતી. પેશન્ટની સારવાર, હોસ્પિટલની સેવા અને ચિકીત્સાના માધ્યમથી ડૉક્ટરે આ આવક મેળવી હતી. તેમણે આવકવેરાનું રિટર્ન કલમ ૪૪એડીએ હેઠળ ભરવાનું આવે છે. પરંતુ ડૉક્ટરે તેમની આવકને બિઝનેસની આવક તરીકે ઓળખાવીને ૩૮,૦૦,૦૦૦ના આઠ ટકા પ્રમાણે ૩,૦૪,૦૦૦નો ટેક્સ ભરી દીધી હતો. તેમની આવક રોકડેથી ન હોય તો તેમણે માત્ર છ ટકા જ ટેક્સ ભરવાનો આવે છે. પરંતુ રોકડેથી આવક થઈ હોવાથી તેમણે આઠ ટકા ટેક્સ ભરવાનો આવ્યો હતો. આમ આવક છુપાવવા માટે અને વેરો ઓછો ભરવો પડે તે માટે ડૉક્ટરે કલમ ૪૪એડીએને બદલે ૪૪એડીમાં રિટર્ન ફાઈલ કરી દીધું હતું. તેમાં ડાક્ટરે કલમ ૮૦-સીના ઇન્વેસ્ટમેન્ટ સહિતના તમામ ઇન્વેસ્ટમેન્ટ અને ખર્ચ પણ બાદ લીધા હતા. તેથી એક પણ રૃપિયાનો ટેક્સ ભરવાની જવાબદારી આવી નહોતી.
આવકવેરો બચાવવા માટે પ્રોફેશનલ્સ ખોટી કલમ નીચે રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આ બાબત આવનારા દિવસોમાં બહુ જ મોટા વિવાદ ઊભા કરશે. સંખ્યાબંધ લોકોને નોટિસ મળી શકે છે,એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે. કલમ ૪૪એડીમાં અંદાજિત આવક ગણીને તેના પર માત્ર ૬ ટકા ટેક્સ ભરવાની વ્યવસ્થા કરીને તેમને હિસાબના ચોપડા કે ઓડિટ રિપોર્ટ તૈયાર ન કરવા પડે તેવી વ્યવસ્થા કરી આપી છે. વાર્ષિક રૃ. ૩ કરોડ સુધીના ટર્નઓવર માટે આ છૂટ આપવામાં આવી હતી. રોકડેથી ટ્રાન્ઝેક્શન હોય તો રોકડ આવકના ૮ ટકા અને ચેકથી આવક હોય તો ટકા પ્રમાણે ટેક્સ ભરી દેવાની છૂટ આપવામાં આવી હતી. તેમાં કરદાતાએ પોતે લગાડેલી મૂડી અને રોકડ સિલકની જ વિગતો આપવાની આવે છે. આ સિવાય તેમને માથે કોઈ જ જવાબદારી આવતી નથી. તેમને સ્ક્રૂટિનીનો પણ સામનો કરવાની બહુધા નોબત આવતી નથી.
કલમ ૪૪એડીએ હેઠળ ડૉક્ટર રિટર્ન ફાઈલ કરે તો તેમણે તેમની કુલ આવકની ૫૦ ટકા આવક બતાવીને તેના પર ટેક્સ જમા કરાવવો પડે છે. આમ ૪૪એડીએ હેઠળ તેમણે અંદાજે ૩.૫ લાખથી ૪ લાખનો આવકવેરો જમા કરાવવો પડે તેમ હતો. આ રીતે ડૉક્ટરે અંદાજે ત્રણ લાખથી વધુ રકમની આવકવેરાની ચોરી કરી હતી. આવકવેરા ખાતાએ ડૉક્ટરે ખોટો કોડ આપીને રિટર્ન ફાઈલ કર્યું હોવાનું પકડી પાડયું હતું. તેના ૨૬એએસના એન્યુઅલ સ્ટેટમેન્ટમાં મિસમેચ જોવા મળ્યું હતું. હોસ્પિટલ્સ અને લેબોરેટરીઓએ આવકવેરા ધારાની કલમ ૧૯૪ જે હેઠળ પ્રોફેશનલ સર્વિસ માટે ચૂકવેલી રકમ પર ટીડીએસ કર્યો હતો. ડૉક્ટરે બિઝનેસની આવક બતાવી કલમ ૪૪એડી હેઠળ ખોટી રીતે રિટર્ન ફાઈલ કર્યું હતું. હેલ્થકેર સર્વિસને બદલે ટ્રેડિંગ બિઝનેસની કેટેગરીમાં રિટર્ન ફાઈલ કર્યું હતું. તેમના પાનકાર્ડમાં તેઓ એક રજિસ્ટર્ડ ડૉક્ટર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આવકવેરા ખાતાની સિસ્ટમે જ આ મિસમેચ બતાવી આપતા તેમને નોટિસ આપવામાં આવી હતી.
તદુપરાંત યુપીઆઈથી પેમેન્ટ કરાયાનું મોટા પ્રમાણમાં જોવાયું હતું. આ પેમેન્ટ ડૉક્ટરના નામે થયું હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ ડૉક્ટરની આવકની પુનઃઆકારણી કરીને ૩.૮૦ લાખની ટેક્સની, ૪૦,૦૦૦ વ્યાજની અને કલમ ૨૭૦ (૨) હેઠળ ૨૦૦ ટકા પેનલ્ટીની રકમ નક્કી કરીને રૃ. ૭.૬ લાખનો ટેક્સ જમા કરાવવાની નોટિસ આપવામાં આવી છે.








