Gujarat

સીપીસીની ભૂલથી રિજેક્ટ થયેલા રિટર્ન પ્રોસેસ કરવાની મુદત લંબાવી આપી

By GS TEAM
29 Jul 20252 mins read
સીપીસીની ભૂલથી રિજેક્ટ થયેલા રિટર્ન પ્રોસેસ કરવાની મુદત લંબાવી આપી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ટેકનિકલ કારણો આપીને સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર દ્વારા ભૂલથી રિજેક્ટ કરી દેવામાં આવેલા આવકવેરાના રિટર્ન નવેસરથી પ્રોસેસ કરવાનો સમય લંબાવી આપવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ તૈયાર થયું છે. તેમ જ રિજેક્ટ થયેલા રિટર્ન પ્રોસેસ થયા પછી રિટર્ન ફાઈલ કરનારાઓને રિફંડ આપવાનું થતું હશે તેમને રિફંડની રકમ પર વ્યાજ પણ વ્યવસ્થિત આપવામાં આવશે. ૩૧મી માર્ચ ૨૦૨૪ સુધીની આવક માટેના રિટર્નને ટેકનિકલ ખામીને નામે રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ રીતે રિજેક્ટ કરવામાં આવેલા તમામ રિટર્ન નવેસરથી પ્રોસેસ કરવા માટેનો સમય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ રિટર્ન ઇલેક્ટ્રોનિકલી ફાઈલ કરવામાં આવ્યા હતા. હવે આ તમામ રિટર્ન નવેસરથી પ્રોસેસ કરવામાં આવશે, એમ સીબીડીટીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.આવકવેરા ધારા ૧૯૬૧ની કલમ ૧૪૩ની પેટા કલમ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આ બાબત અંગે વિચારણાં કરવામાં આવી હતી. તેને માટે આવકવેરા ધારાની કલમ ૧૧૯ હેઠળ સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસનને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૩૧મી માર્ચ ૨૦૨૪ સુધીની આવકને લગતા રિટર્નને ટેકનિકલ ખામીના કારણો આપીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. આ બાબત પરત્વે સીબીડીટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. 

આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ના રિટર્ન પ્રોસેસ કરવાની છેલ્લી તારીખ ૩૧મીડિસેમ્બર ૨૦૨૪ હતી. આ રિટર્નને પ્રોસેસ કરવાનો સમય ગાળો વીતી ગયો છે. તેથી આ રિટર્નને કાયદેસર ઠેરવવા જરૃરી બની ગયા છે. તેને માટે કાયદાકીય જોગવાઈ મુજબ પ્રક્રિયા કરવી પણ એટલી જ જરૃરી બની ગઈ છે. પરિણામે આવકવેરા ખાતું આ કરદાતાઓને કલમ ૧૪૩(૧)ની જોગવાઈ હેઠળ કાયદેસર પત્ર પાઠવશે. ૩૧મી માર્ચ ૨૦૨૬ સુધીમાં તેમને આ પત્ર પાઠવી દેવામાં આવશે. તેમના રિટર્ન પ્રોસેસ કરવા માટેનો આ પત્રવ્યવહાર કરવામાં આવશે. તેમના રિટર્ન પ્રોસેસ કર્યા પછી જે તે કરદાતાઓને રિફંડ મળવા પાત્ર હશે તો તેવા સંજોગોમાં કરદાતાને રિફંડની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવાની ખાતરી પણ સીબીડીટીએ આપી છે.

જોકે આ કરદાતાઓના રિટર્નને પ્રોસેસ કરવાની પ્રક્રિયા દરમિયાન તેમના પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવામાં ન આવેલા હોવાનું જોવા મળશે તો તેમને રિફંડના નાણાં ચૂકવવામાં આવશે નહિ.