Get The App

મેશ્વો નદી પરનો કોઝવે ધોવાતા ખેડા અને મહેમદાવાદના 40 ગામની હાલત કફોડી

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
મેશ્વો નદી પરનો કોઝવે ધોવાતા ખેડા અને મહેમદાવાદના 40 ગામની હાલત કફોડી 1 - image


બે વર્ષથી બિસ્માર કોઝવે સમારકામ બાદ વરસાદમાં ધોવાયો

સમારકામ માટે વારંવાર રજૂઆત છતાં માત્ર માટીનું પુરાણ કરી વેઠ ઉતારાતા વિદ્યાર્થી સહિત લોકોને હાલાકી

નડિયાદ: મહેમદાવાદ અને ખેડા તાલુકાના ગામડાઓને જોડતો મેશ્વો નદી પર કોઝવે બે વર્ષથી બિસ્માર છે. ત્યારે થોડા દિવસ પહેલાં થયેલા ભારે વરસાદમાં ધોવાઈ જતા તૂટી જવા પામ્યો છે. જેના કારણે ખેડા તાલુકાના સમાદરા અને મહેમદાવાદ તાલુકાના સાદરા બંને ગામો સહિત 40 જેટલા ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે.

ખેડા તાલુકાના સમાદરા અને મહેમદાવાદ તાલુકાના સાદરા ગામ વચ્ચે મેશ્વો નદી પર કોઝવે આવેલો છે. આ કોઝ-વે પર બંને તાલુકાના મળી આશરે ૪૦ જેટલા ગામોના લોકો વાહનોની અવરજવર રહે છે. આ કોઝ-વે છેલ્લા બે વર્ષથી તૂટેલી હાલતમાં હોય તેના સમારકામ માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં કોઝ-વેનું સમારકામ કરવાને બદલે માત્ર માટીનું પુરાણકામ કરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ કોઝવે ધોવાયને તૂટી જતા ખેડા અને મહેમદાવાદ તાલુકાના ૪૦ જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર ખોરવાય જવા પામ્યો છે. કોઝ વે ધોવાઈને તૂટી જવાથી ખેડૂતો નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો વ્યય થશે એટલું જ નહીં પશુપાલકોને પશુઓને ગૌચરમાં ચરાવવા લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે.  કોઝ-વે પરથી સાદરા, સમાદરા, મહેમદાવાદ, માતર, કાજીપુરા, ધોળકા તરફ અવરજવર કરવાનો એકમાત્ર રસ્તો છે. ત્યારે સમારકામ ન થતા લોકો ભારે હાલાકીમાં મૂકાયા છે. 

- કોઝવે માટે નવા એસ્ટીમેન્ટ મુજબ ગ્રાન્ટ આવતાં કામગીરી હાથ ધરાશે : એક્ઝિક્યુટિવ એન્જિનિયર 

ખેડા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર ધર્મેશ હળપતિએ જણાવ્યું કે, કોઝ-વે 35 વર્ષ જુનો છે. કોઝ-વેના નવિનિકરણ માટે 6 કરોડ ફળવાયા છે પરંતુ નવા એસ્ટીમેન્ટ પ્રમાણે 10 કરોડ આવતા હવે બીજા નાણાં મંજૂર થયાથી તુરંત નવીન બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.


Tags :