નડિયાદમાં આધેડને ઈજાગ્રસ્ત કર્યા બાદ પણ ઢોરોનો ત્રાસ યથાવત્

- મનપાની ઢોર પોલિસી માત્ર કાગળ પર રહી ગઈ
- સરદાર ભવન બહાર યુવતી ઢોરના હુમલાથી બચી : મીલ રોડ સર્કલના બસ સ્ટોપે મુસાફરોને ભય
નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે જુલાઈ મહિનામાં ઢોર પોલિસી જાહેર કરી હતી. મનપાએ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી જવાબદારીઓથી દૂર ભાગતી હોવાનું જણાઈ રહ્યું છે. કોઈ પણ અધિકારી જાતે સ્થળ તપાસ પણ કરવાની તસ્દી લેતા ન હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. કમિશનર સહિતના અધિકારીઓની ગાડીઓ સામે પણ ઢોરો પસાર થતાં હોય છે. ત્યારે ગાડીઓમાં ફરવા ટેવાયેલા અધિકારીઓ નક્કર કાર્યવાહી કરતા ન હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે નડિયાદ શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત્ છે. ચકલાસી ભાગોળ પર આધેડ ઉમરના ધુળાભાઈ તળપદાને બે દિવસ પહેલા જ ઢોરે ઉલાળ્યા હતા. આ ઘટના બાદ મહાનગરપાલિકા કડકાઈ દાખવે તેવી અપેક્ષા હતી. આજે સરદાર ભવનની બહાર પસાર થતી એક યુવતી પણ ઢોરના કારણે અકસ્માતનો ભોગ બનતા રહી ગઈ હતી. ઢોરે ગોથુ વિંઝયુ હતુ અને તે દરમિયાન યુવતીની પાસે રહેલા યુવકે સતર્કતા દાખવી યુવતીને ખેંચી લેતા તેને ઈજા પહોંચી નહોતી.
સરદાર ભવનથી આગળ મીલ રોડ સર્કલ પાસે ખુલ્લામાં લોકો બસની રાહ જોતા ઉભા હોય છે. જ્યાં ઢોરના અડિંગાથી ગમે ત્યારે ઢોરોના કારણે સમસ્યા સર્જાવાનો ભય છે.
સંતઅન્ના ચોકડી અને ચકલાસી ભાગોળ, ફતેપુરા રોડ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રની નિષ્ક્રિયતાના કારણે શહેરના વધુ કોઈ નાગરીકો ઢોરના આતંકનો ભોગ બને તે પહેલા નક્કર કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.









