આણંદની અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે 3 જિલ્લાના પશુપાલકોનો હલ્લાબોલ
- ખેડા, આણંદ અને મહીસાગરના પશુપાલકોએ રેલી યોજી, અમૂલના એમડી અને કલેક્ટરને આવેદનપત્ર
- રાજકીય નેતાઓના આણંદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટના બહાને 'અ' વર્ગની મંડલીઓને 'ક'માં મૂકવાનું ષડયંત્રનો આક્ષેપ : મંડળીઓને ઓડિટ વર્ગનું પ્રમાણપત્ર આપવા અને નિયામક મંડળની ચૂંટણી સમયસર યોજવા માંગણી
આણંદની અમૂલ ડેરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમૂલ ખેડૂતોની સંસ્થા છે. છતાં અમૂલ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોવાની બાબત દુઃખદ છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ આણંદના નિયામક મંડળની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોઈ રાજકીય નેતાઓના ઈશારે જિલ્લા રજિસ્ટ્રાર આણંદ દ્વારા દૂધ મંડળીઓના ઓડિટના બહાને હેરાન કરવામાં આવતા હોવાની રજૂઆત સાથે ખેડૂતો અને પશુપાલકો દ્વારા અમૂલના વર્તમાન ચેરમેન અને તેમના મળતિયાઓની સુચનાથી જિલ્લા રજિસ્ટ્રારને સાથે રાખી જિલ્લાની કેટલીક આદર્શ દૂધ મંડળીઓને રાજકીય ટાર્ગેટ બનાવી ખોટા ઓડીટ રીપોર્ટ તૈયાર કરી 'અ' વર્ગની મંડળીઓને 'ક' વર્ગમાં મુકવાનું ષડયંત્ર રચાયું હોવાને લઈ આ અંગે તપાસ કરવી, અમૂલના વર્તમાન ચેરમેન વિપુલ પટેલ અને તેમના મળતિયાઓ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ઓડિટરોને નાણાં આપી નક્કી કરેલી મંડળીઓને 'ક' વર્ગ આપવાની જવાબદારી લીધી હોય તેવા વ્યક્તિઓની તપાસ કરવી, વિરપુર અને નડિયાદમાં અમૂલે ખરીદેલી જમીનમાં ચેરમેન અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તેની કડક તપાસ કરવી, કેટલાક ડીરેક્ટરોએ અમૂલની ભરતીમાં કરોડો રૂપિયાનો કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા, અમૂલમાં જિલ્લા બહારના કેટલા લોકોને નોકરી આપવામાં આવેલી છે તેની યાદી જાહેર કરવા સહિતની માંગણી આવેદનમાં કરાઈ છે.
દૂધ મંડળીઓની ઠરાવ સાથેની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ખાસ સાધારણ સભા નહીં બોલાવીને લોકતંત્રમાં સભાસદોનું અપમાન કરાયું હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે. વધુમાં રાજકીય કિન્નાખોરીથી કેટલીક મંડળીઓને 'ક' વર્ગ આપવાનું ષડયંત્ર હોવાથી મંડળીઓને સત્વરે ઓડિટ વર્ગનું પ્રમાણપત્ર મળે અને અમૂલના ચાલુ હોદ્દેદારો હાલમાં ચૂંટણી ન થાય તેવું ઈચ્છી રહ્યા છે માટે અમૂલના નિયામક મંડળની સમયસર ચૂંટણી થાય તેવી માંગ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોએ દ્વારા આવેદનપત્રમાં કરવામાં આવી છે.
આવેદનપત્રના તમામ મુદ્દા પર ચર્ચા કરી કાર્યવાહી કરાશે : અમૂલ ડેરીના એમડી
અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે, આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયેલા તમામ મુદ્દાને ધ્યાને લેવામાં આવશે. આ મુદ્દાઓની આગળની કાર્યવાહી કઈ રીતે કરવી તે બાબતની પણ ચર્ચા કરી કાર્યવાહી કરાશે. રહી વાત ભ્રષ્ટાચારના આક્ષેપની તો ડેરીમાં કોઈપણ કામ થતું હોય તે કામ સર્વ સંમતિથી બોર્ડ એપ્રુવલથી જ થતું હોય છે. સર્વ સંમતિ વગરનું કોઈ પણ કામ કરવામાં આવતું નથી. આજ દિન સુધી ડેરીમાં જેટલા પણ કામ થયા તે સિસ્ટમની અંદર રહીને જ કરવામાં આવ્યા છે.