સુરતમાં રોજ 1000 કિલો પનીર વેચનારા સુરભી ડેરીના ગ્રાહકમાં કેટરર્સ મોખરે, ત્યાં પણ થશે તપાસ

Surat Surbhi Dairy : સુરતની સુરભી ડેરી દ્વારા રોજનું એક હજાર કિલો નકલી પનીર વેચવામાં આવતું હતું તેનો રેલો હવે લગ્ન સિઝન શરૂ થતા કેટરર્સ સુધી પહોંચશે. નકલી પનીર વેચનાર ડેરીના ગ્રાહકમાં રેસ્ટોરન્ટ, લારી સાથે કેટરર્સ મોખરે છે. કેટરર્સ તગડો ચાર્જ લઈને નકલી પનીર પીરસતા હોય હવે શરૂ થયેલી લગ્ન સિઝનમાં પાલિકા દ્વારા કલી પનીર પકડવા કેટરર્રેસમાં રેન્ડમ ચેકીંગ કરશે.
થોડા દિવસ પહેલાં સુરત પાલિકા અને એસ.ઓ.જીના દરોડામાં સુરતની સુરભી ડેરીમાંથી મળેલું 754 કિલો નકલી પનીર જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો છે. આ બનાવટી પનીર વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, એસીટીક એસિડ તથા હલકી ગુણવત્તાના દૂધમાંથી બનતું હોય અને લોકોના આરોગ્ય માટે હાનીકારક હોય તે લેબોરેટરી ટેસ્ટમાં સાબિત થયું છે. હવે પાલિકા અને પોલીસ તપાસમાં આ નકલી પનીરનો મહત્તમ જથ્થો લારી અને રેસ્ટોરન્ટ સાથે કેટરર્સને સપ્લાય થતો હોવાનું બહાર આવ્યું છે.
જેના કારણે હવે પાલિકા તંત્ર દ્વારા લારી અને રેસ્ટોરન્ટ સાથે સાથે મોટાભાગનો જથ્થો સપ્લાય કરવામા આવે છે તેવા કેટરર્સમાં રેન્ડમ ચેકીંગ માટે કવાયત શરૂ કરી છે. આગામી દિવસમાં લગ્ન સિઝન શરૂ થઈ ગઈ હોય પાલિકાના ફૂડ વિભાગના લગ્ન પ્રસંગે પીરસાતું પનીર નકલી છે કે નહીં તેની તપાસ કરશે. આમ સુરભી ડેરીના નકલી પનીરનો રેલો કેટરર્સ સુધી પહોંચે તેવી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

