For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્ર પાસિંગની ઇનોવામાંથી રોકડા રૃા.74.82 લાખ મળ્યા, ત્રણ પૈકી એક ફરાર

Updated: Nov 23rd, 2022

Article Content Image

- સુરતના મહિધરપુરા વિસ્તારમાં ફ્લાઇંગ સ્કવોડને

-દિલ્હી રહેતા ડ્રાઇવર ઉદય ગુર્જરે કહ્યું, શ્રીરામ આંગડિયા પેઢીંમાંથી રૃપિયા લઇ બાદમાં ફોન આવે તેને આપવા માટે કહેવાયું હતું

- મોટી રોકડ રકમ ક્યાં અને કોને પહોંચાડવાની હતી ? તે રહસ્ય : કેસ ઇન્કમટેક્સ વિભાગને સોંપી દેવાયો

          સુરત

સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિગની કારની ચૂંટણી પંચની ફલાઇગ સ્કવોડે તપાસ કરતા રોકડા રૃા.૭૪.૮૨ લાખ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફલાઇગ સ્કવોડની તપાસ જોઇને ડ્રાઇવર સહિત ત્રણમાંથી એક ફરાર થઇ ગયો હતો. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં આ રૃપિયા શ્રીરામ આંગડીયા પેઢીના હોવાનું અને કોને અને કયાં પહોંચાડવાના હતા. તે હજુ સુધી રહસ્ય જ હોવાથી આખો કેસ ઇન્કમટેકસના હવાલે કરી દેવાયો છે.

ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે. તેમ તેમ ચૂંટણી પંચ દ્વારા રૃપિયા, જવેલરી, દારૃની હેરાફેરી પર નજર રાખવા માટે સ્ટેટીક સર્વેલેન્સ, ફલાઇગ સ્કવોડની ટીમ રાઉન્ડ ધી કલોક ચાંપતી નજર રાખી રહી છે. દરમ્યાન મંગળવારની રાત્રે ફલાઇગ સ્કવોડને મળેલી ફરિયાદના આધારે મહિધરપુરા જડાખાડી પાસેથી પસાર થતી મહારાષ્ટ્ર પાર્સિગની ઇનોવા કાર નં.એમ.એચ.૦૪ ઇએસ ૯૯૦૭ અટકાવી હતી. અને તેની તપાસ દરમ્યાન કારમાંથી રોકડા રૃા.૭૪.૮૨ લાખ મળી આવ્યા હતા. આથી ફલાઇગ સ્કવોડની ટીમ ત્રણેયની અટકાયત કરી તપાસ કરે તે પહેલા જ એક ઇસમ ભાગી છુટયો હતો.

જયારે પકડાયેલા બેમાં ડ્રાઇવર ઉદય ગુર્જર ( રહે નવી દિલ્હી ) અને સુરતનો મોહમ્મદ ફૈજ પકડાયો હોવાનું જાણવા મળ્યુ છે. જયારે ભાગી છુટેલ ઇસમનું નામ સંદીપ ખુલ્યુ છે. આથી સંદીપ પકડાય તો મોટુ રહસ્ય ખુલી શકે તેમ છે. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછ કરતા જણાવ્યુ હતુ ક, શ્રીરામ આંગડીયા પેઢીમાંથી રૃપિયા લેવા માટે જણાવ્યુ હતુ. અને ત્યારબાદ ફોન આવે તે મુજબ રૃપિયા આપવાના હતા. આથી આ રૃપિયા કોને અને કયાં પહોંચાડવાના હતા ? તે હજુ સુધી રહસ્ય છે.

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકેના જણાવ્યું કે, સીઝડ કરાયેલા રૃા.૭૪.૮૨ લાખ સુરત જિલ્લાની તિજોરી કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. હજુ સુધી આ રૃપિયા કોના છે ? તે ખબર નહીં પડતા આ કેસ ઇન્કમટેકસની ટીમને સોંપી દેવાયો છે.

કારમાંથી કોગ્રેસનું  સાહિત્ય મળ્યાની અફવા ઉડતા કોગ્રેસના નેતાઓ દોડતા થયાઃ પ્રમુખે કહ્યું, બદનામ કરવાનું કાવતરું

મહિધરપુરામાંથી રોકડા રૃા.૭૪.૮૨ લાખ ભરેલી કાર મળતા આ કારમાં કોગ્રેસનો વીવીઆઇપી પાસ મળી આવ્યો હોવાની અફવાઓ જોરશોરથી ઉડતા આ રૃપિયા કોગ્રેસના હોવાની વાતો ચાલી હતી.  આખરે કોગ્રેસના સુરત શહેર પ્રમુખ નૈષધ દેસાઇએ સ્પષ્ટતા કરી હતી કે આ રૃપિયા સાથે કોગ્રેસને કોઇ લેવાદેવા નથી. કોગ્રેસ પાર્ટીને બદનામ કરવાનુ કાવતરુ છે.

કાતિલ ઠંડીમાં પોલીસ જવાનોને પૈસા ગણતા સવાર પડી

મોડી રાત્રે થોકબંધ નોટોના બંડલો મળતા આ બંડલોમાં કેટલા રૃપિયા છે. તેની ગણતરી કરીને પંચનામું તૈયાર કરીને પંચમાં રિપોર્ટ કરવાનો હોય છે. આથી આ નોટોના બંડલો મહિધરપુરા પોલીસ સ્ટેશન લાવીને કેટલા રૃપિયા છે ? તેની ગણતરી શરૃ કરી હતી. પોલીસ જવાનોએ કાતિલ ઠંડીમાં નોટોની ગણતરી કરતા કલાકો થયા હતા.

Gujarat