ભેસ્તાનમાં કરિયાણાની દુકાનમાંથી રોકડા રૂ. 4.50 લાખની ચોરી
- શટર વચ્ચેથી ઉંચુ કરી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા, કેશ કાઉન્ટરમાંથી રોકડ મત્તા ચોરી ફરાર, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરાના જ્વલેર્સમાંથી રૂ. 16 લાખની ચોરીનો કસબ અજમાવ્યા બાદ પુનઃ ભેસ્તાનના કરિયાણાની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂ. 4.50 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.
ભેસ્તાન સ્થિત આદર્શ નગરના પ્લોટ નં. 36 માં આવેલી યશપાલ નેમીચંદ એન્ડ કંપની નામની કરિયાણાની દુકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનનું શટર વચ્ચેથી ઉચું કરી અંદર પ્રવેશી દુકાનના કાઉન્ટરમાં મુકેલા રોકડા રૂ. 4.50 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. ઘટના અંગે બીજા દિવસે સવારે દુકાનના ગ્રાહક જગદીશ પ્રજાપતિની નજર પડતા તેણે દુકાન માલિક રોનક કેવલચંદ શ્રીમાલ (ઉ.વ. 32 રહે. શુભ રેસીડન્સી, હરિનગર-3, ઉધના અને મૂળ રહે. આમેટ, જિ. રાજસમદ, રાજસ્થાન) ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ઘટના અંગે પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.