પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી ફરી જનાર વ્યાજખોર સામે ગુનો દાખલ

વડોદરા,વ્યાજે લીધેલા રૃપિયા પરત કરી દેવા છતાંય વ્યાજખોર દ્વારા મકાનનું બાનાખત રદ્દ કરી આપ્યું નહતું. તેમજ સિક્યુરિટી પેટે આપેલા ચેકનો દુરૃપયોગ કરીને ચેક રિટર્નનો કેસ કર્યો હતો.
ન્યૂ વી.આઇ.પી.રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા રાયસીંગભાઇ પારથીંગભાઇ પારગી સરકારી પ્રેસમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વર્ષ - ૨૦૧૬ માં મારા ભાણેજના લગ્ન પ્રસંગ માટે મારે ૧ લાખની જરૃર હતી. જેથી, મારા મિત્ર સર્કલમાં વાત કરતા લાલબાગ ખાતે ઓફિસ ધરાવતા ચિંતન પ્રવિણભાઇ ગાંધીને મળ્યો હતો. તેમણે મને પાંચ ટકાના વ્યાજે રૃપિયા આપવાનું કહ્યું હતું. મેં મારા મકાનનું બાનાખત કરી આપી બે લાખ આપ્યા હતા. જેમાંથી મેં ૧ લાખ તેને પરત આપી દીધા હતા કારણકે મારે ૧ લાખની જ જરૃર હતી. ત્યારબાદ હું દર મહિને ૧૦ હજાર તેમની પાસે જમા કરાવતો હતો. મેં તેઓને ૨.૦૫ લાખ ચૂકવી આપ્યા હોવાછતાંય મકાનનું બાનાખત રદ્દ કરી આપતા નથી અને મેં આપેલા ચેક પર પરત કરતા નથી. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં આરોપીએ ચેક પરત આપવાની તથા બાનાખત રદ્દ કરવાની ખાત્રી આપતા સમાધાન થયું હતું. ત્યારબાદ તેણે મારી પત્નીના નામના બે ચેકમાં ૪ લાખ લખી બેંકમાં જમા કરાવ્યા હતા.જે ચેક રિટર્ન થતા ચેક બાઉન્સની ફરિયાદ કરી હતી. માંજલપુર પોલીસે ચિંતન પ્રવિણભાઇ ગાંધી (રહે. રામ વિજય સોસાયટી, સરકારી ગોડાઉન પાસે, પાદરા) ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.









