મોડીરાતે બે દુકાનમાં તોડફોડ કરનાર ત્રણ આરોપી સામે ગુનો દાખલ

વડોદરા,ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર મોડીરાતે બે દુકાનમાં તોડફોડ કરનાર ત્રણ આરોપીઓ સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર દિવ્યા આશિષ કોમ્પલેક્સમાં રહેતા અને રજવાડી ચા નામની દુકાન ચલાવતા પ્રિતેશ ગોઠુલાલજી પાટીદારે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૯ મી તારીખે સાડા અગિયાર વાગ્યે હું મારી દુકાન બંધ કરીને દુકાનની સામે આવેલા આલોક મેડિકલ સ્ટોર પર બેસવા ગયો હતો. રાતે સાડા બાર વાગ્યે દુકાનમાં કામ કરતા દેવીલાલ ડામોરે કોલ કરીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો આપણી રજવાડી ચા દુકાનની બહાર તોડફોડ કરે છે. મેં ત્યાં જઇને જોયું તો કેટલાક લોકો મારી દુકાન તથા મારી બાજુમાં આવેલ અજય કાફે નામની દુકાનમાં તોડફોડ કરતા હતા. મેં અજય કાફેમાં કામ કરતા હિતેશ તડવીને જાણ કરી હતી. અમે સીસીટીવી કેમેરા ચેક કરતા અક્ષત રાકેશભાઇ કહાર (રહે.ઉકાજીનું વાડિયું, રણછોડ પાર્કની સામે, વાઘોડિયા રોડ) વિકાસ હરેરામ કશ્યપ (રહે. પુષ્ટિપ્રભા સોસાયટી, વાઘોડિયા રોડ) તથા કૃણાલ રઘુપતિભાઇ તેવર (રહે. સાંઇધામ સોસાયટી, વાઘોડિયા રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું. બીજે દિવસે સવારે તેઓેને પૂછતા ધમકી આપી હતી કે,પોલીસ ફરિયાદ કરશો તો તમને જોઇ લઇશું. સીગારેટ અને ચાના પૈસા ચૂકવવા બાબતે આરોપીઓ કાયમ દુકાનદાર સાથે ઝઘડો કરતા હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે.








