છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરી લેનાર પતિ સામે ગુનો દાખલ
છૂટાછેડા આપ્યા વગર બીજી યુવતી સાથે લગ્ન કરનાર સામે પત્નીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના પૂના ખાતે રહેતા નૂતનબેન મુકેશ કુમાર સિન્હાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ - 2004માં મુકેશ રજનીકાંત સિન્હા (રહે. ગામ બરકીઘોસી દાહાબીઘહ, જિ.નાલંદા, બિહાર) સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ, મારા પતિને પુત્ર જોઇતો હોઇ તેઓએ મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જે અંગે મેં પૂનામાં ફરિયાદ નોંધાવી હતી. મારા પતિએ માફી માંગતા તેમાં સમાધાન કર્યુ હતું. મારા પતિ થોડો સમય મારી સાથે રહ્યા હતા. ત્યારબાદ તેમના તમામ દસ્તાવેજો લઇને જતા રહ્યા હતા. મને જાણ થઇ હતી કે, મારા પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં તેઓ ગુજરાતના વડોદરામાં રહે છે. જેથી, હું અને મારી દીકરી તેઓને શોધવા વડોદરા આવ્યા હતા. તેમનું સરનામુ મળતા અમે તેઓના ઘરે ગોત્રી સેવાસી રોડ સોમનાથ હેરિટેઝમાં તપાસ કરવા ગયા હતા. મારી દીકરીએ ડોરબેલ વગાડતા મારા પતિએ દરવાજો ખોલ્યો હતો. અમને જોઇને તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. મને તથા મારી દીકરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારી દીકરીએ કંટ્રોલ રૃમમાં કોલ કરતા મારા પતિ ભાગી ગયા હતા.