ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
Bharuch News : ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામ ખાતે પખવાડિયા અગાઉ સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ પરિણીતાના આપઘાત અંગેના બનાવમાં ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિ, સાસુ તથા બે નણંદો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના રહેવાસી સાગરભાઇ ભેસાણીયા ઉધના મામલતદાર કચેરી ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. તેમની બહેન 29 વર્ષીય હેતલબેનના પ્રથમ લગ્ન વર્ષ 2021માં નવસારી ખાતે થયા બાદ ઘર કંકાસના કારણે વર્ષ 2022માં છૂટાછેડા થયા હતા. અને વર્ષ 2023માં હેતલબેનના લગ્ન મહેશભાઈ ઉર્ફે મયુર મનસુખભાઈ પટેલ (રહે-ઝાડેશ્વર ગામ, ભરૂચ) સાથે થયા હતા. મહેશભાઈના પણ આ બીજા લગ્ન હતા. મહેશની બે બહેનો રસીલાબેન અને મમતાબેન પણ સાથે રહેતી હતી. પતિ તથા બંને નણંદોનું કહેવું કે, "તારા બીજા લગ્ન થયા હોવાથી આજુબાજુમાં કે કોઈ સગા સબંધીના ઘરે તું બેસવા માટે ન જઈશ", નણંદો અવાર નવાર ટોણો મારતી કે,"તારા કરતાં અમારી પહેલી ભાભી સારી હતી", ખરીદી અંગે તમામ નિર્ણય નણંદો કરતી હતી, સાસુ મુક્તાબેનએ હેતલબેનના ઘરેણા પણ નણંદને આપી દીધા હતા. મહેશ બહેનોનો પક્ષ લેતો હતો. મહેશે લગ્ન અગાઉ જણાવ્યું હતું કે, પોતે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે, પરંતુ તેની પાસે સિવિલ એન્જિનિયરનું કોઈ લાયસન્સ નથી અને તે નોકરી પર જાય છે. સતત શારીરિક અને માનસિક ત્રાસ મળતા હેતલબેનએ ભાઈ સાગરને જણાવ્યું હતું કે, મને ટોર્ચરના કારણે સુસાઇડ કરવાના વિચાર આવે છે, ગઈ તા.26 જુલાઈના રોજ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી હેતલે પોતાના ફ્લેટમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસ કલમ 108,54 મુજબ ગુનો નોંધ્યો હતો.