નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ
ચોમાસામાં નદી તળાવમા નહીં જવાનો પ્રતિબંધ છતાં
વારંવાર ડૂબી જવાની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા નદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને કડક કાર્યવાહી શરૃ કરવામાં આવી
ગાંધીનગર : હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન નદી તળાવ કે અન્ય પાણીના ોતમાં ડૂબી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા અહીં નહીં જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ છતાં નભોઈ પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલા અમદાવાદના સાત જેટલા યુવાનો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ચોમાસાની તુ દરમિયાન ખાડા ખાબોચિયામાં પાણી ભરાવાની સાથે તળાવ અને નદીમાં પણ પાણીનો પ્રવાહ વધતો હોય છે. આ સ્થિતિમાં લોકો અહીં નાહવા પડતા હોય છે અથવા તો તેની નજીક જઈને ફોટા પણ પડાવતા હોય છે. આ સ્થિતિમાં ઘણી વખત ડૂબી જવાની પણ ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં નદી તળાવ કેનાલ કે અન્ય પાણીના ોતમાં નહીં જવા તેમજ ત્યાં નજીક પહોંચીને ફોટા નહીં પાડવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામાને પગલે થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા સંત સરોવર પાસે માછલી પકડવા માટે પાણીમાં ઊતરેલા બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ જાહેરનામાનો કડકપણે પાલન કરાવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ નદી અને તળાવના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ઇન્ફોસિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નભોઈ પાસે સાબરમતી નદીમાં કેટલાક યુવાનો નાહી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પોલીસ તુરંત જ ત્યાં પહોંચી હતી અને આ યુવાનોને પાણીમાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ તેમની સામે જાહેરનામા ભંગ બદલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે યુવાનોમાં અમદાવાદના નેહાલ નરેશભાઇ પટણી, રાહુલ કસ્તુરભાઇ પટણી, નિખિલ મુકેશભાઇ પટણી, સતિષ અશોકભાઇ પટણી, રવિ મેલાભાઇ ચુનારા, બિરજુ ચમનભાઇ મોકાણી અને અજય હર્ષદભાઇ મિતાલીયનો સમાવેશ થાય છે.