Get The App

યુવકને માર મારવા મુદ્દે ખુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
યુવકને માર મારવા મુદ્દે ખુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો 1 - image

- બગદાણા અને ઘોઘા વિવાદ બાદ વધુ એક મામલે ભાવનગર પોલીસ ઘેરાઈ

- ભેંસો સાઈડમાં લઈ ગાડીને રસ્તો નહી આપતા પોલીસે યુવકને માર માર્યો હોવાની ફરિયાદ થઈ : પોતાના જ પોલીસ મથકમાં પોલીસકર્મીઓ બન્યા આરોપી

ભાવનગર : ભાવનગર પોલીસની ગ્રહદશા બગડેલી હોય તેમ બગદાણા અને ઘોઘા વિવાદ બાદ વધુ એક મામલે ભાવનગર પોલીસ ઘેરાઈ છે. રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સામે ખુંટવડા પોલીસ મથકમાં ઢોર માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ, પોતાના જ પોલીસ મથકમાં પોલીસકર્મીઓ આરોપી બની ગયા છે.

ભાવનગર પોલીસની માઠી બેઠી હોય તેમ એક પછી એક વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. ચકચારી બગદાણા વિવાદ અને ઘોઘા પોલીસ મથકના પીએસઆઈના ત્રાસથી પોલીસ કર્મચારીના આપઘાતના બનાવમાં અનેક પ્રશ્નોથી ઘેરાયેલી ભાવનગર પોલીસ વધુ એક મામલે ઘેરાઈ છે. ગત તા.૨૧-૧ના રાત્રિના જાહેર રસ્તા પર અડચણરૂપ ભેંસો ચલાવવા મુદ્દે ખુંટવડાના યુવકને ભેંસો સાઈડમાં લેવાનું કહેતા યુવકે ખુંટવડા પીએસઆઈ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યાં અંગેની અને ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ ખુંટવડા પીએસઆઈ યાદવે ભાવેશ રાઘવભાઈ ચોસલા વિરૂદ્ધ નોંધાવી હતી. જે બાદ ગત રોજ આ મુદ્દે યુવકે પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. મહુવાના મોટા ખુંટવડા ખાતે રહેતા ભાવેશભાઈ રાઘવભાઈ ચોસલાએ ખુંટવડા પોલીસ મથકમાં ખુંટવડા પીએસઆઈ આર.જે.યાદવ, જસકુભાઈ કામળીયા, જીઆરડી જવાન નાગજીભાઈ અને ૧૧૨માં આવેલા જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૨૧ના રોજ સાંજે તેઓ વાડીએથી ભેંસો લઈને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બોરડી તથા ખુંટવડાની વચ્ચે રોજકી નદીના નાળા પર ભેંસો લઈને પહોંચ્યા ત્યારે પાછળથી ખુંટવડા પીએસઆઈ પાછળથી સરકારી જીપ લઈને આવતા હતા અને તેમણે નીચે ઉતરીને ભેંસો સાઈડમાં લેવાનું કહી ખીજાવા લાગ્યા, આ વખતે રસ્તો સાંકડો હોય ભેંસો સાઈડમાં જઈ શકે તેમ નહી હોવાથી પહોળો રસ્તો આવે ભેંસો હાકી લવ તેમ કહેતા ઉગ્ર થઈ પીએસઆઈ યાદવ, જસકુભાઈ અને જીઆરડી જવાન નાગજીભાઈએ તેમને માર મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં ૧૧૨ ગાડીમાં આવેલા જાડેજા સાહેબે તેમને માર મારી ધમકી આપી હતી. આ અંગે ખુંટવડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ, પોતાના જ પોલીસ મથકમાં પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ આરોપી બની ગયા છે.

યુવાનને ન્યાય મળે તે માટે ભરવાડ સમાજ મેદાને

ખુંટવડાના યુવકને પોલીસ દ્વારા માર મારવાના બનાવમાં ભરવાડ સમાજના આગેવાનો, સંતો-મહંતો મેદાને આવ્યા છે. યુવકને ન્યાય મળે તે માટે સમાજના આગેવાના પીડિત યુવકને સર ટી.હોસ્પિટલ ખાતે મળવા આવ્યા હતા અને આગામી દિવસમાં યુવકને ન્યાય મળે તે માટે ભરવાડ સમાજના આગેવાનો કોઈ ઠોસ નિર્ણય કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.