શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે શ્રીજીની આગમન યાત્રામાં રજીસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાવી શ્રીજીની યાત્રાનું તથા સરકારી કચેરી વિસ્તારમાં રેકોર્ડિંગ કરતા જાહેરનામા ભંગ બદલ રાવપુરા પોલીસે ડ્રોન સંચાલકની અટકાયત કરી રૂ.1 લાખની કિંમતનું ડ્રોન કબ્જે કર્યું હતું.
શનિવારે મોડીરાત સુધી ઠેર ઠેર વાજતે ગાજતે શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી હતી. દરમ્યાન રાત્રે એક વાગ્યાની આસપાસ પદ્માવતી શોપિંગ સેન્ટર ઉપર એક શખ્સ ડ્રોન ઉડાવી ગણપતિ આગમન યાત્રાનું રેકોર્ડિંગ કરતો હોવાનું પેટ્રોલિંગમાં રહેલ રાવપુરા પોલીસ ટીમના કર્મચારીઓને ધ્યાને આવ્યું હતું. શખ્સની પૂછતાછમાં તેણે ડ્રોન ઉડાવવા બાબતે કોઈપણ જાતની પરવાનગી લીધી ન હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં તા. 26 જૂનથી 24 ઓગસ્ટ સુધી જાહેરનામું અમલમાં હોય જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન, અથવા એરિયલ મિસાઈલ/ હેલિકોપ્ટર રિમોટ કંટ્રોલ માઇક્રો લાઈટ, એરક્રાફ્ટ કે પેરા ગ્લાઈડર સંચાલક પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય માલિકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેથી પોલીસે ડ્રોન ઉડાવવા અંગે રજીસ્ટ્રેશન ન કરનાર ડ્રોન સંચાલક વિરાજકુમાર રમેશભાઈ પાટણવાડીયા (રહે- કુકસ ગામ, સિનોર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.