નારણપુરા જનક એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ સ્કીમમાં મજૂરોના મોત મામલે બે જણા સામે ગંભીર બેદરકારીનો ગુનો
અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર
નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જનક એપાર્ટમેન્ટની રિડેવલપમેન્ટ સ્કીમમાં બે મજૂરના મોત મામલે નારણપુરા પોલીસે કોન્ટ્રેક્ટર સહિત બે જણા સામે મંગળવારે ગુનો દાખલ કર્યો છે. એક વર્ષ અગાઉ માટીની ભેખડ ઘસી પડતા થયેલા મજૂરોના મોતના બનાવમાં પોલીસ તપાસમાં કોન્ટ્રેક્ટર અને સુપરવાઈઝરની બેદરકારી છતી થતાં ફરિયાદ નોંધાઈ છે.
માટીની ભેખડ ઘસી પડતા મજૂરોના મોત થયા હતાઃ કોન્ટ્રકટર અને સુપરવાઈઝર સામે ફરિયાદ
નારણપુરા પોલીસ સ્ટેશનના એએસઆઈ સમીરસિંહ જીતસિંહે જાતે ફરિયાદી બની કોન્ટ્રાકટર ભરતભાઈ સુખલાલ મિસ્ત્રી અને સુપરવાઈઝર રમણભાઈ ઠાકરસીભાઈ સુથાર વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જે મુજબ ગત તા.૨૮-૧-૨૦૨૨ના રોજ અમીકુંજ ચાર રસ્તા પાસે જનક એપાર્ટમેન્ટ રિડેવલપેમેન્ટ સ્કીમમાં પાયાનો ખાડો ખોદવાનું કામ જે.સી.બી દ્વારા ચાલી રહ્યું હતું. મજૂરોને ખાડામાં લેવલ ચેક કરવા માટે ઉતારવામાં આવ્યા દરમિયાન માટીની ભેખડ ઘસી પડતા બે મજૂર જવસિંહ પ્રેમાભાઈ ડામોર (ઉં, ૪૫) અને પટ્ટુભાઈ ખાતીયાભાઈ કળમી (ઉં, ૩૫)ના મોત થયા હતા. પોલીસ તપાસમાં કોન્ટ્રાકટર અને સાઈટ સુપરવાઈઝરે યાંત્રિક પધ્ધતીથી ખોદકામ ના કરી પુરતી તકેદારી અને સુરભા વગર દસ ફૂટ ઉંડા ખાડામાં બંને મજૂરોને ઉતાર્યા હતા.બંને મજૂરોના મોત મામલે બંને આરોપીની ગંભીર બેદરકારી છતી થતાં નારણપુરા પોલીસે બંને સામે આઈપીસીની કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.