જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બાઇક ચાલક યુવાનને ચગદી નાખનાર કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો
Jamnagar Accident Case : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે 9.45 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને બાઈક સવાર બાબુલાલ રામજીભાઈ લામકા નામના ભરવાડ યુવાનને ટ્રકના ચાલકે હડફેટમાં લઇ ચગદી નાખ્યો હતો, અને તેનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ બાદ નાની માટલી ગામમાં રહેતા મૃતકના પિતા રામજીભાઈ લખમણભાઇ લામકા બનાવના સ્થળે દોડી આવ્યા હતા, અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. તેઓએ પોતાના પુત્રને હડફેટમાં લઈ ચગદી નાખનાર ટ્રક કન્ટેનર નંબર જીજે 1 એલ.ટી. 8340 ના ચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનર કબજે કર્યું છે. જે વાહન ચાલક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.