મજૂરને માર મારી મોતને ઘાટ ઉતારનાર ચાર શખ્સો સામે આખરે ગુનો દાખલ

ગિફ્ટસિટી પાસે લેબર કોલોનીમાં
ઉત્તર પ્રદેશમાં સારવાર દરમિયાન મોત થયા બાદ ડભોડા પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો ગત ૧૦ ઓગસ્ટના રોજ રાત્રિના
સમયે ગિફ્ટ સિટી પાસે આવેલી શિવાલિક લેન્ડમાર્કની બાજુની લેબર કોલોનીમાં મજૂર
ગયાદીન ઉર્ફે ડાલા રાજકુમારને કોઈ અગમ્ય
કારણોસર ચાર શખ્સોએ આડેધડ ગડદાપાટુ અને લાતોનો માર માર્યો હતો. આ હુમલામાં
ગયાદીનને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આ શખ્સો તેને
ગંભીર ઘાયલ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘાયલ અવસ્થામાં ગયાદીને તેના પરિવારને
ફોન દ્વારા જાણ કરી હતી અને ૧૩ ઓગસ્ટના રોજ તે પોતાના વતન ઉત્તરપ્રદેશ પરત ફર્યો
હતો. ત્યાં બાંદ્રા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન ૧૬ ઓગસ્ટના રોજ તેનું કરૃણ મોત
નીપજ્યું હતું. જેનાં પગલે તેની પત્ની ગુડીયા ગયાદીન દ્વારા રાજેશ રામબાબુ, રમેશ વિશ્વનાથ, રાહુલ રમેશ, મહેન્દ્ર તેજવલી
સામે સૌ પ્રથમ ઉત્તરપ્રદેશના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ફરિયાદ ઝીરો એફઆઈઆર તરીકે નોંધીને તપાસ અર્થે અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર
પોલીસ અધિક્ષક કચેરી ખાતે મોકલવામાં આવી હતી.
ગાંધીનગર પોલીસે ઘટનાસ્થળનું વેરિફિકેશન કર્યા બાદ જાણવા
મળ્યું હતું કે આ ગુનો ડભોડા પોલીસ મથકની હદમાં બન્યો છે, જેના આધારે ડભોડા પોલીસે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો
નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








