જામનગરના દરેડ વિસ્તારના બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે રૂપિયા 15 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ
Jamnagar Fraud Case : જામનગરમાં જ્યોત જ્યોતિ પાર્કમાં રહેતા અને દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ચલાવતા પ્રફુલભાઈ પરસોત્તમભાઈ ગોંડલીયા નામના કારખાનેદારે પોતાની સાથે રૂપિયા 15 લાખ 15 હજારની છેતરપિંડી કરવા અંગે પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે નામના જામનગરના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના કારખાનામાંથી આરોપીએ બ્રાસ કેપનો માલ સામાન ખરીદ કર્યો હતો, જેના પેમેન્ટ માટેનો ચેક આપેલો હતો. પરંતુ જીએસટીવાળું બિલ બનાવવા બાબતે બંને વચ્ચે ચર્ચા થયા બાદ ચેક પાછો આપો, હું તમને રૂબરૂ પેમેન્ટ કરી જાઉં છું. તેમ કહી ચેક લઈને ભાગી છૂટ્યો હતો અને 15 લાખ 15 હજારનો માલ સામાન પચાવી પાડી રૂપિયા નહીં આપી વિશ્વાશઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.