પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર
વાસણા-પાલડીની બે ગેંગ વચ્ચેની આંતરિક અદાવત જવાબદાર
વાસણામાં રહેતો મુખ્ય આરોપી સાગરિતો સાથે ફરાર થઇ ગયોઃ મૃતકના ગુનાહિત ઇતિહાસ અંગે વિગતો સામે આવી
અમદાવાદ, શનિવાર
શહેરના પાલડી વિસ્તારમાં યુવકની હત્યા મામલે પાલડી પોલીસ હજુ સુધીઆરોપીઓ સુધી પહોંચી શકી નથી. પરંતુ, પ્રાથમિક તપાસમાં જુની અદાવત નહી પણ મૃતક નૈષલ ઠાકોર અને વાસણામાં રહેતા અજય ઠાકોર વચ્ચે ચાલતી ગેંગ વોર પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં ગેરકાયદે રેતી ખનનમાં પ્રોટેક્શન આપવું, સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવવા જેવા અનેક મોટા કૌભાંડને કારણે તકરાર ચાલતી હતી. ત્યારે આ મામલે પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
પાલડી ભઠ્ઠા પાસે પોલીસ સ્ટેશનની નજીક નૈષલ ઠાકોરની હત્યાના મામલે ફરાર સાતેય આરોપીઓને પકડવામાં પોલીસને હજુસુધી કોઇ નક્કર કડી મળી નથી. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મૃૃતક નૈષલ અને શૈલેષ ઠાકોર વચ્ચે ગેરકાયદે ધંધાના મામલે આંતરિક વિખવાદ ચાલતો હતો. જેમાં સાબરમતી નદીમાં ગેરકાયદે રેતખનન કરતા ડમ્પરને પ્રોટેક્શન આપીને નાણાં ઉઘરાવવા બાબતે વાંધો ચાલકો હતો. તેમજ મૃતકના કેટલાંક સ્પા સેન્ટર સાથે સંપર્ક હતા. જ્યાં વ્યાજે નાણાં ફેરવવાની સાથે તેના માટે પ્રતિક જૈન નામનો વ્યક્તિ કામ કરતો હતો. આ ઉપરાંત, સટ્ટા બેટિંગના મામલે પણ નૈષલને શૈલેષ ઠાકોર સાથે તકરાર ચાલતી હતી.
આ ઉપરાંત, જાણવા મળ્યું છે કે મૃતક નૈષલ ઠાકોરની ભાગીદાર નવરંગપુરામાં આવેલા બીગ ડેડી સ્પામાં પણ ભાગીદારી હતી. તે નિયમિત રીતે ત્યાં જતો હતો. ત્યારે તેની હત્યા બાદ બે દિવસથી બીગ ડેડી સ્પા બંધ છે. બીજી તરફ આ હત્યા બાદ અંગત અદાવતમાં વધુ જાનહાની થવાની શક્યતા છે.
પરંતુ, નૈષલ અમદાવાદ રહેવાને બદલે મોટાભાગનો સમય મુંબઇ અને દુબઇમાં પસાર કરતો હતો. જેથી તેને મારવાની ફિરાકમાં શૈલેષ ઠાકોર તક શોધતો હતો. બે દિવસ પહેલા તે પાલડી ભઠ્ઠા પાસે હોવાની બાતમી મળતા તેણે તેના સાગરિતો સાથે જઇને હુમલો કરીને હત્યા નીપજાવી હતી. ત્યારે આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થઇ શકે તેમ છે.