વડોદરામાં આજવા રોડના મકાનમાંથી નશીલી સીરપ અને ટેબલેટના જથ્થા સાથે કેરિયર ઝડપાયો
Vadodara : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી નશાકારક દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આજવા રોડના દત્તનગર ખાતે રહેતા લખનસિંગ મગનસિંગ સીકલીગરને ત્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતા પલંગ નીચેથી એક થેલીમાંથી નશાકારક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આ થેલીમાંથી 1265 અલ્પ્રાઝોલમ ટેબલેટ્સ, 125 ટ્રેમાંડોલ ટેબ્લેટ્સ, 15 નાઈટ્રાઝેપમ અને કોડીન સીરપ અને મોબાઈલ મળી રૂ.10 હજાર ઉપરાંતની મત્તા કબજે કરવામાં આવી હતી. આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લખનસિંગ ત્રણ વર્ષ અગાઉ તેના બે સાગરીતો સાથે વાપીમાં ચપ્પુ, ડિસમિસ જેવા સાધનો સાથે ચોરીના ઇરાદે આવ્યો હોવાની આશંકા બદલ પકડાયો હતો. આ દવાઓનો જથ્થો ક્યાંથી લાવ્યો છે તે બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.