Get The App

રોડ બનાવવાના નામે ડામર પર ડામર પાથરવાની કામગીરી લોકોની મુશ્કેલી વધારશે

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
રોડ બનાવવાના નામે ડામર પર ડામર પાથરવાની કામગીરી લોકોની મુશ્કેલી વધારશે 1 - image

વડોદરાઃ ચોમાસુ માથા પર છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ શહેરમાં  નવા રોડ બનાવવાના નામે પહેલેથી બનેલા રોડ પર ડામર પાથરવાનું ચાલું જ રાખ્યું છે અને તેના કારણે  પાણી ભરાવવાનો ખતરો ઓર વધી ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકોએ  કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી શહેરમાં રોડ બનાવવાના નામે ડામરનું કાર્પેટિંગ કરીને મોટાભાગના વિસ્તારોમાં રોડના લેવલ રસ્તાની બંને તરફની સોસાયટીઓ, કોમ્પ્લેક્ષો અને દુકાનો કરતા ઉપર લાવી દીધા છે.જેના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે.આમ છતા કોર્પોરેશનના શાસકો અટકવાનું નામ નથી લઈ રહ્યા.શહેરના કેટલાક રસ્તાઓ પર તો હવે ડિવાઈડર અને રસ્તાનું લેવલ એક થઈ ગયેલું જોવા મળે છે.

છેલ્લા એક મહિનામાં જીવન ભારતી ચાર રસ્તાથી બુધ્ધ દેવ કોલોની જવાના રોડ પર, કારેલીબાગ જૈન દેરાસરથી આમ્રપાલી કોમ્પલેક્ષ જવાના રોડ પર, સંગમ ચાર રસ્તા પર, વારસીયા રિંગ રોડથી વારસિયા વિસ્તાર તરફ જવાના રસ્તા પર રોડ બનાવવાના નામે રાતોરાત કાર્પેટિંગ કરી દેવાયું છે.જેના કારણે આ રોડનું લેવલ પહેલા કરતા ઉચું આવી ગયું છે.સંગમ ચાર રસ્તા પર તો બે દિવસ પહેલા જ જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં ડામર પાથરી દેવાયો છે.જેના કારણે ચાર રસ્તાનો એક હિસ્સો ઉપર આવી ગયો છે.અહીંયા પહેલા કરતા પણ વધારે પાણી ભરાય તેવો ડર વ્યક્ત થઈ રહ્યો છે.

એકલ દોકલ કિસ્સાને બાદ કરતા પ્રજાએ વિરોધ કરવાની શક્તિ ગુમાવી દીધી હોવાથી શાસકો શહેરને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રહ્યા નથી.


Tags :