કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા

- 10.30 કલાકના બદલે 12 વાગ્યે પેપર હાથમાં આવ્યા
- છબરડા મામલે એબીવીપી - એનએસયુઆઈની રજૂઆત બાદ જવાબદારો આજીવન પરીક્ષા કામગીરી દુર અને હેરાન થયેલ વિદ્યાર્થીઓને પરિક્ષા ફી માફ
- છબરડા બાદ વિદ્યાર્થી હિતમાં લેવાયેલા નિર્ણયો
- બેદરકારી બદલ જવાબદાર અધિકારીને આજીવન પરીક્ષા કામગીરીમાંથી દૂર રાખવાનો નિર્ણય.
- પરેશાન થયેલા વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટમાં પરીક્ષા ફી માફ કરાશે
- પરીક્ષા પ્રશ્રપત્ર તૈયાર કરતી એજન્સી સામે કાર્યવાહી હાથ ધરાશે.
- આગામી દિવસથી પ્રશ્રપત્રો સ્વચ્છ અને મોટા અક્ષરે છપાયેલા આપવાની ખાતરી આપવામાં આવી. ફરી ન બને તેની ખાતરી માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
વધુમાં, મોડું પહોંચેલા પ્રશ્રપત્રમાં પણ બે પ્રશ્રોમાં ભૂલો જોવા મળી, જેના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન થયા હતા. આ ગંભીર બેદરકારી અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાત્કાલિક યુનિ. પરીક્ષા વિભાગના વડાને ઉગ્ર રજૂઆત કરી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. અમુક કોલેજોમાં ત્રણ કલાક પેપર મોડા પહોંચ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે એનએસયુઆઈ દ્વારાપણ તાત્કાલિક ધોરણે તમામ કોલેજોમાં પેપર પહોંચાડવામાં આવે અને જે પણ અધિકારી ના લીધે વિદ્યાર્થીઓને હાલાકી પડી છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા એનએસયુઆઈ ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા અને ભુજ શહેર પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજા દ્વારા આ અંગે આજરોજ રોષપૂર્વક રજુઆત કરાઈ હતી.