દોડધામથી દિલ પર બોજઃ કોરોના કાળ કરતા 2025માં બમણાં કેસો! : 108ને કોલમાં 21 ટકાથી વધુ 51થી 60 વર્ષના લોકોના : 20 વર્ષની ઉંમર પછી હૃદયરોગની સંભાવના-કેસો વધે છે
રાજકોટ, : ગુજરાતમાં હૃદયસંબંધી ઈમરજન્સી કેસો ઈ.સ. 2025માં 98,582 (એટલે કે રોજ 270 અને દર કલાકે 11થી વધુ) માત્ર 108 સેવામાં નોંધાયા છે અને ચાલુ વર્ષ 2026માં તે 1 લાખને પાર થઈ જવાની પૂરી શક્યતા છે. આ કેસો ઉપર ખાનપાન, લાઈફસ્ટાઈલ, શહેરીજીવન, ઉંમર ઉપરાંત હવામાનની પણ અસર થાય છે અને આંકડાકીય વિગતોનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં સૌથી વધુ કેસો ચોમાસામાં અને ખાસ કરીને સપ્ટેમ્બર માસમાં નોંધાતા રહે છે. જ્યારે બીજા નંબરે શિયાળામાં પણ કેસો વધે છે પરંતુ, એપ્રિલ, મે અને જૂન એ ઉનાળાના ત્રણ માસમાં કેસો ઓછા રહે છે. સામાન્ય માન્યતા મૂજબ ઠંડીમાં હૃદયરોગનું જોખમ વધતું હોય છે પરંતુ, આંકડા સૂચવે છે તે મૂજબ ચોમાસામાં તેનું જોખમ સૌથી વધારે રહે છે.
વયજૂથ મૂજબ જોતા 10 વર્ષ કરતા નાની વયના બાળકોમાં કેસોમાં ઈ. 2024ની સાપેક્ષે ગત વર્ષમાં વધારો થયો છે, 0.11 ટકાથી વધીને 0.25 ટકા એટલે કે આશરે ૨૬૫ બાળકોને રાજ્યમાં હૃદયરોગની તીવ્રતા વધતા એમ્બ્યુલન્સ બોલાવવી પડી છે. કૂલ 98,582 કેસોમાં સૌથી વધુ કેસો 51થી 60 વર્ષના વ્યક્તિઓના 21 ટકા અને બીજા નંબરે 41થી 50 વર્ષનામાં 18.18 ટકા નોંધાયા હતા. ટીનએજર જ્યારે યુવાન બને પછી હાર્ટડીસીઝની સંભાવના ખાનપાન,તણાવ વગેરેથી વધે છે. જેમ કે 11થી 20 વર્ષના તરૂણોના કેસો 4 ટકા છે પરંતુ, 21થી 30 વયજૂથમાં આ કેસો કૂદકો લગાવીને 10 ટકાને પાર થઈ જાય છે.
આશ્ચર્યજનક તારણ એ છે કે કોરોના કે જે વાયરસ હૃદય ઉપર વધુ ઘાતક અસર કરતો તે સમય અને તેમાં પણ ડેલ્ટાવાયરસના ભીષણકાળ એવા ઈ.સ. 2021માં ગુજરાતમાં સૌથી ઓછા 42,555 કાર્ડિયાક કેસોના કોલ નોંધાયા હતા જે ઈ.2023માં બધુ ખુલ્લુ થતા અને પ્રવૃતિનો ધમધમાટ વધતા વધીને 72,573 અને માત્ર 4 વર્ષ બાદ ઈ. 2025માં બમણાં, 98,582 એ પહોંચી ગયા છે.


