થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી કાર્બાેસેલનો 2.20 કરોડનો જથ્થો જપ્ત
- પ્રાંત અધિકારીના દરોડાથી ખનીજ વિભાગની કામગીરી સામે સવાલ
- 2800 મેટ્રીક ટન કાર્બોસેલ, પાંચ વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત : તંત્રના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો
સુરેન્દ્રનગર: થાન તાલુકાના સોનગઢ ગામમાં ગેરકાદે ખનન થયેલો ૨૮૦૦ મે.ટન કાર્બોસેલનો જથ્થો ઝડપાયો છે. ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમે સોનગઢ ગામની સીમમાં અલગ-અલગ જગ્યાએથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા સાધનો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા પ્રાંત અધિકારી, થાન અને ચોટીલા મામલતદારની ટીમે થાન તાલુકાના સોનગઢ ગામે અલગ-અલગ જગ્યાઓ પર દરોડા કર્યા હતા.
દરોડા દરમિયાન ગેરકાયદે કાર્બોસેલના ખનન માટે ઉપયોગમાં લેવાતા ૩-જેસીબી મશીન, ૧-ડમ્પર, ૧-લોડર, ૨૮૦૦ મેટ્રીક ટન કાર્બોસેલ સહિત અંદાજે રૂા.૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને માલીકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મુળી સહિતના તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. તંત્ર દ્વારા રેડ કરી કાર્યવાહી કરવા છતાં ખનીજચોરી બંધ થવાનું નામ લઈ રહી નથી. બીજી તરફ ચોટીલા પ્રાંત અધિકારીની રેડથી ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.