વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ
વાંસમાંથી વૈવિધ્યસભર આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉત્પાદનો
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીમાં કરેલા સ્ટાર્ટઅપ માટે રૂ. 25 લાખની સહાય
વડોદરાના કરજણ તાલુકાના ધાવટ ગામના ખેડૂત રોહિતભાઈ પટેલે ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી એક નવો ક્રાંતિકાળ સર્જાયો છે. વાંસમાંથી તેમણે તૈયાર કરેલા કાર્બન આધારિત પ્રોડક્ટ્સ આજે માત્ર ભારતમાં નહીં, પણ વિદેશોમાં પણ ડિજિટલ માધ્યમ થકી પહોંચ્યા છે.
મૂળ સુરતમાં જન્મેલા, હાલમાં વડોદરામાં રહેતા અને ધાવટ ગામે પ્રાકૃતિક ખેતી કરતા રોહિતભાઈએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેમને બાયોચાર વિશે જાણ થઇ અને આંતરરાષ્ટ્રીય બાયોચાર સંસ્થા (IBI) સાથે સંકળાઈને બાયોચારના વૈજ્ઞાનિક પાસાઓને સમજ્યા અને પોતાના ખેતરમાં વાંસમાંથી બાયોચારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. બાયોચાર એટલે એવો કાળો કાર્બન ઘટક જે કૃષિ અવશેષો અને બાયોમાસમાંથી બને છે અને જમીનની સજીવતા વધારવામાં અને પર્યાવરણને બચાવવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રોગ્રામ ઓફ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીમાં કરેલા સ્ટાર્ટઅપને વધુ વિકસિત કરવા માટે રૂ. 25 લાખની સહાય પ્રાપ્ત થઈ છે.

રોહિતભાઈ આસામથી આયાત કરેલા વાંસની વડોદરાની જમીનમાં ખેતી કરે છે. હાલ તેમની પાસે 12 વિઘા જમીન છે જેમાં કુદરતી પદ્ધતિથી વાંસ, કેરી અને મોસમી શાકભાજીની ખેતી થાય છે. 600થી વધુ વાંસના વૃક્ષો આજે તેમના ખેતરમાં શોભી રહ્યા છે. વાંસમાંથી તેઓ જે બાયોચાર અને અર્ક તૈયાર કરે છે તેનો ઉપયોગ વાળ, ચહેરા, દાંત, અને પાચનતંત્ર માટે કરવામાં આવે છે. કાર્બનનો આ સ્વરૂપ શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને કિડનીના કાર્યને સુધારવામાં ખૂબ સહાયક સાબિત થાય છે.
