- ધોળા દિવસે પણ તસ્કરોનો તરખાટ
- ઉમરેઠ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી, સીસીટીવી આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તજવીજ
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠની થામણા ચોકડી નજીક ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા ચકચાર મચી હતી. અજાણ્યા શખ્સો એક કારનો કાચ તોડી રૂપિયા પાંચ લાખ ઉપરાંતના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
ઉમરેઠની થામણા ચોકડી ખાતે આવેલા મોહન આર્કેડ નામના શોપિંગ સેન્ટર ખાતે આવેલા એક જ્વેલરીના શોરૂમનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હાજરી આપવા માટે આવેલા એક મહેમાને પોતાની કાર શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરી હતી. દરમિયાન ધોળા દિવસે કોઈ અજાણ્યા શખ્સો એક કારનો કાચ તોડી કારમાં મુકેલ બે બેગોની ઉઠાંતરી કરી ફરાર થયા હતા. આ બે બેગો પૈકીની એકમાં સોનાની બંગડીઓ અને મોંઘા ફોન સહિતનો કિંમતી સામાન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બંને થેલામાં મળી અંદાજે રૂપિયા પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે જાહેર માર્ગ નજીક બનેલ આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શોપિંગ સેન્ટર તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


