Gujarat

જંગલેશ્વરમાં નામચીન શખ્સ અને તેની ટોળકી દ્વારા કારમાં તોડફોડ

By GS TEAM
15 Jul 20252 mins read
જંગલેશ્વરમાં નામચીન શખ્સ અને તેની ટોળકી દ્વારા કારમાં તોડફોડ

રાજકોટમાં પોલીસની ઓસરેલી ધાકને કારણે પ્રજામાં ભયનું વાતાવરણ

મોહર્રમ વખતે થયેલા ઝઘડાનો ખાર રાખી નામચીન સમીર ઉર્ફે મૂરઘા અને તેની ટોળકીએ આચરેલું કૃત્ય

રાજકોટ: શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે માથાભારે તત્વો બેફામ બન્યાં છે. જેને કારણે લોકોમાં ભયનુ વાતાવરણ ફેલાઇ ગયું છે. ગંભીર બાબત એ છે કે આમ છતાં પોલીસના પેટનું પાણી હલી નથી રહ્યું. ગત રવિવારે મકાન ખાલી કરવા બાબતે રૈયા રોડ પરના નહેરૂનગરમાં આવેલી રેસ્ટોરન્ટમાં સોડા બોટલના આડેધડ ઘા ઝીંકી, ધોકા-પાઇપથી તોડફોડ કરી આતંક મચાવનાર નામચીન શખ્સોની ટોળકીને પોલીસ હજુ પકડી શકી નથી. આ સ્થિતિમાં ગઇકાલે રાત્રે ફાયરિંગ અને ખૂનની કોશિષ સહિતના ગુનામાં પકડાઇ ગયેલા નામચીન સમીર ઉર્ફે મૂરઘાની ટોળકીએ જંગલેશ્વર વિસ્તારમાં કારના કાચ ફોડી ભય ફેલાવી દીધો હતો.

જંગલેશ્વર શેરી નં. ૧૮માં રહેતા યાસીન હુસેનભાઈ સુહણા (ઉ.વ.૨૪) હોટલ ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇકાલે મોડી રાત્રે ભવાની ચોક પાસે ક્વાર્ટરમાં રહેતા મિત્ર સોયબ પાસે ગયો હતો. તેના ફઇના પુત્ર મોહસીનને તેની કાર બહારગામ લઇ જવાની હતી. જેથી તેનો નાનો ભાઇ સોહીલ કાર તેના ફઇના દીકરાના ઘર પાસે રાખી આવ્યો હતો. થોડીવાર બાદ તેના ફઇના પુત્રએ તેને કોલ કરી કહ્યું કે તારી ફોર વ્હીલના છથી સાત શખ્સોએ આવી કાચ ફોડી નાખ્યા છે.

જેથી તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. પોલીસ આવતાં તેની સાથે જઇ જોતાં તેની આઇ-૨૦ કારના તમામ કાચ ફોડી નાખવામાં આવ્યા હતાં. એટલુ જ નહીં બોનેટ ઉપર કુહાડા, તલવાર અને ધારિયાના ઘા ઝીંકાયેલા હતાં. 

ત્યાર પછી તેણે ફઇના પુત્ર મોહસીન સાથે મળી સીસીટીવી કેમેરા જોતાં રાત્રે એકાદ વાગ્યે સમીર ઉર્ફે મૂરઘો અને તેની સાથેનાં સાતેક શખ્સોએ બાઇક ઉપર આવી તેની કારમાં તોડફોડ કર્યાનું દેખાયું હતું. તેના નાના ભાઈ સોહીલને મોહર્રમ વખતે ન્યાઝ દેવા બાબતે સમીર ઉર્ફે મૂરઘાના નાનાભાઈ શાહરૂખ સાથે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી તેની કારમાં તોડફોડ કરી હતી.

ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ એક પણ આરોપી મળ્યો ન હતો.