Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે સવારે અચાનક માર્ગ પર ભુવો પડતા પસાર થતી કાર તેમાં ફસાઈ હતી. સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશને બેરીકેડ લગાવી માર્ગનું સમારકામ હાથ ધર્યું છે.
વડોદરા શહેરમાં વરસાદ વગર જ માર્ગ પર ભુવા પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ અટલાદરા ચેકપોસ્ટ પાસે મુખ્ય માર્ગ અચાનક ઘસી જતા વધુ એક ભુવો પડ્યો હતો. ભુવો પડતા પસાર થતી એક કારનું ડ્રાઇવર સાઈડનું પૈડું અંદર ખૂપી ગયું હતું. સદ્નસીબે ઘટનામાં કારચાલકનો બચાવ થયો હતો. ભારે જહેમત બાદ કારને ભુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
વાહનચાલકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ આવા બનાવો બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનએ તકેદારી રાખવાની જરૂર છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ એક જ સ્થળે વારંવાર ભુવા પડવા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવે છે.
આ મામલે સામાજિક કાર્યકર્તાએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે, તાજેતરમાં જ અહીં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય અને મજબૂત કામગીરી ન થતા ફરીથી માર્ગ ધસી પડ્યો છે. હવે ફરીથી બેરીકેડ મૂકી ગોકળગતિએ સમારકામ હાથ ધરાતા ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આવી ઘટનાઓની ગંભીરતા સામે આંખ આડા કાન કરી રહ્યું છે. વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર છે.


