માણેજામાં કારના શો રૃમના કર્મચારી દ્વારા ૧૦ લાખની છેતરપિંડી
કસ્ટમરના રૃપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા : કંપનીની જાણ બહાર એસેસરિઝ આપી દીધી
વડોદરા,ફોર વ્હિલર કારના શો રૃમના સેલ્સ કન્સલ્ટન્ટે કંપનીની ખોટી પાવતીઓ આપી કસ્ટમર પાસેથી રૃપિયા પોતાના એકાઉન્ટમાં લઇ તેમજ એસેસરિઝ વેચી દઇ ૧૦.૦૪ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમા સાવલી રોડ સિદ્ધાર્થ સૌમ્ય બંગ્લોઝમાં રહેતા વિપુલભાઇ કિરીટભાઇ શાહ માણેજા ક્રોસિંગ પાસે આવેલ શિવાંશુ મોટર્સ એલ.એમ.પી. કંપનીમાં મેનેજર છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જયદીપ બાબુલાલ પરમાર (રહે. સાધના કોલોની, રણજીત સાગર રોડ, ડાંગરવાડા, જામનગર) અમારા શો રૃમમાં છેલ્લા ચાર વર્ષથી સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે સી.એસ.ડી. ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. અમારા કસ્ટમર ચિરાગભાઇએ અમારા શો રૃમ ખાતે જયદીપ પરમાર પાસે ક્રેટા કાર બુક કરાવી હતી.જેના ડાઉન પેમેન્ટ તરીકે ૬.૨૫ લાખ જયદીપને રોકડા આપ્યા હતા. અમારા શો રૃમમાં રોકડા ૧.૯૯ જ લેવામાં આવે છે. પરંતુ, જયદીપે ૬.૨૫ લાખ રોકડા લીધા હોવાનું લખાણ ખોટી રીતે આપ્યું હતું.
બીજા કસ્ટમર પ્રિયલે બુક કરાવેલી ક્રેટા કારના બુકિંગ પેટે ૩૧ હજાર જયદીપે પોતાના એકાઉન્ટમાં લીધા હતા. જેની પાવતી શોરૃમની આપી હતી. ત્રીજા કસ્ટમર અદિતીએ બુક કરાવેલી ગાડીનું ડાઉન પેમેન્ટ ૧.૦૮ લાખ પણ જયદીપે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર લીધા હતા. જેની પાવતી આપી નહતી. આ ઉપરાંત જયદીપે કંપની પાસેથી અંગત કામ માટે જરૃરિયાત હોવાનું કહી દોઢ લાખ ટ્રાન્સફર લીધા હતા. તે રૃપિયા પણ પરત આપ્યા નહતા.તેમજ કંપનીની જાણ બહાર અલગ - અલગ ગ્રાહકોને ૯૦ હજારની એસેસરિઝ આપી દીધી હતી.