Get The App

રાણપુર પંથકમાં કોઝ-વેના પાણીમાં કાર તણાઈ : સંત સહિત 3 અક્ષર નિવાસી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
રાણપુર પંથકમાં કોઝ-વેના પાણીમાં કાર તણાઈ : સંત સહિત 3 અક્ષર નિવાસી 1 - image


- બીએપીએસના ૨ સંત અને હરિભક્તો સહિત 7 કારમાં બોચાસણથી સાળંગપુર આવતા હતા ત્યારે

ગોધાવટા ગામ નજીક મધરાતે બનેલો બનાવ : 1 સંત સહિત 4 નો આબાદ બચાવ : લાપત્તા સંતનો મૃતદેહ કલાકોની શોધખોળ બાદ મળી આવ્યો : કરૃણાંતિકાથી હરિભક્તોમાં શોકનું મોજું 

બરવાળા : બોચાસણવાસી અક્ષર પુરૃષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય (બીએપીએસ)ના ૨ સંત અને ૫ હરિભક્તો સહિત ૭ આણંદ જિલ્લાના બોચાસણથી બોટાદ જિલ્લાના સાળંગપુર કારમાં આવી રહ્યા હતા ત્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક કોઝ-વેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં મધરાતના સુમારે કાર તણાતા બીએપીએસના સંત સહિત ત્રણ અક્ષર નિવાસી થયાની કરૃણાંતિકાથી હરિભક્તોમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. આ બનાવમાં ૧ સંત સહિતનો ૪નો આબાદ થયો હતો.  

 આ કરૃણાંતિકાની સાળંગપુર બીએપીએસ મંદિરના સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર સાળંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશભાઈ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરીને ગઈ કાલે રાત્રે ૨ સંતો અને હરિભક્તો અર્ટીગા કારમાં સાળંગપુર આવી રહ્યા હતા. રાત્રીના ૧૧.૫૬ વાગ્યાના અરસામાં કાર સાળંગપુરથી ૬-૭ કિલોમીટર દૂર રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક પહોંચી ત્યારે કોઝ-વેના પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં કારની આગળની સીટમાં બેઠેલા અપૂર્વપુરૃષદાસ સ્વામિ અને ડ્રાઈવર દિવ્યેશભાઈ બારણું ખોલી બહાર આવ્યા હતા. પરંતુ તેઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. એટલીવારમાં તેમના હાથમાં દોરડું આવી જતા તેઓનો બચાવ થયો હતો. એ જ રીતે કારની પાછળની સીટમાં બેઠેલા બે હરિભક્ત વિવેકભાઈ કાપડિયા અને નિકુંજભાઈ સોજિત્રા પણ અંધારામાં ફાંફા મારી બહાર નિકળતા દોરડા અને બાવળનો સહારો લઈ બચી શક્યા હતા. કાર પાણીમાં ડૂબેલ હોવાથી અન્યોની ભાળ મળી નહોતી. મોડી રાત્રે મદદ માટે ગામના લોકો, બરવાળા પ્રાંત અધિકારી, રાણપુર મામલતદાર, સાળંગપુરના અન્ય સંતો અને નિષ્ણાંતોની ટીમ દોડી ગઈ હતી. આ ઉપરાંત, રાહત અને બચાવ માટે ભાવનગરથી એન.ડી.આર.એફ.ની ટીમ પણ પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન છેક રાત્રે ૩ વાગ્યે કાર પાણીમાંથી બહાર કાઢી શકાઈ હતી. કારમાં વચ્ચેની સીટમાં સવાર શ્રીકૃષ્ણભાઈ પંડયા (ઉ.વ.આ.૮૦) અને દિવ્યેશભાઈ પટેલના ૧૦ વર્ષના પુત્ર પ્રબુધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે કલાકોની શોધખોળ બાદ નવદીક્ષિત સંત શાંતચરિત સ્વામિનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક શ્રીકૃષ્ણભાઈ પંડયા રાજકોટ જિલ્લાના ગોંડલ ગુરૃકૂળનાપૂર્વ આચાર્ય અને પૂર્વ ગૃહપતિ હતા. 

અક્ષર નિવાસી સંતના પાર્થિવ દેહના સાળંગપુરમાં અંતિમ સંસ્કાર

બરવાળા : સાળંગપુર સંત તાલીમ કેન્દ્રમાં અભ્યાસ કરી રહેલા શાંતચરિત સ્વામિ અક્ષરનિવાસી થતા તેમના પાર્થિવ દેહના સાળંગપુરમાં વડીલ સંતો તેમજ અધ્યાપક સંતોની હાજરીમાં અશ્રુભીની આંખે આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે મહંત સ્વામિ મહારાજના હસ્તે સને ૨૦૨૩માં પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવમાં દીક્ષા પ્રાપ્ત કરી હતી. પૂર્વાશ્રમમાં મુંબઈ ખાતે રહી એમસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. 

Tags :