હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત
કોન્ટ્રાક્ટર સામે 'માનવવધ'નો ગુનો દાખલ કરવા પરિવારની માગ
પુલ પાસે ડાયવર્ઝનના રસ્તા પર કોન્ટ્રાક્ટરે બેરીકેડ કે ભયસૂચક બોર્ડ નહીં લગાવતા ચાલકે ખાડો તારવવા જતાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા-સરા રોડ પર ચીત્રોડી ગામ પાસે પુલ પર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પુલ પરથી નદીમાં ખાડામાં ખાબકતા કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે તેમજ એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજતા ત્રણ મહિલા સહિત કુલ ૦૪ વ્યક્તિઓ મોતને ભેટયા હતા. પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરે સ્થળ પર ડાયવર્ઝન બેરિકેડ નહીં મુકતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે કોન્ટ્રાકટર પર કાર્યવાહીની માગ ઉઠી છે.
મુળી તાલુકાના દાધોળિયા ગામના ચોપાભાઈ બિજલભાઈ જેજરિયા પોતાની સ્વિફ્ટ કાર લઇને ધ્રાંગધ્રા-સરા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન ચિત્રોડી ગામ પાસે નિર્માણાધીન બ્રિજના ડાયવર્જનના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર રોડની સાઇડમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.
આ ગોઝારા અકસ્માતમાં ચોપાભાઈ બિજલભાઈ જેજરિયા (ઉ.વ.૪૫), બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરિયા (ઉ.વ.૫૦), ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા (ઉ.વ.૩૫)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે રાજુભાઇ ગીધાભાઇ જેજરિયા, ભાનુબેન હમીરભાઇ અને હમીરભાઇ જેઠાભાઈ જેજરિયા ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં ભાનુબેન હમીરભાઇ જેજરિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિકોનું ટોળુ એકઠું થયું હતું, જેમણે જાણ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૃ કરી છે. એક જ પરિવારના ચાર સભ્યોને કાળ ભેટતાં પરિવારમાં અને ગામમાં માતમનો માહોલ છવાયો છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારીએ ચારનો ભોગ લીધો
સ્થાનિક ગ્રામજનો તેમજ અકસ્માતમાં પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ પુલની કામગીરીને કારણે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પર કોઈ ભયસૂચક બોર્ડ કે બેરીકેટ મુકવામાં આવ્યા નથી જેના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે. જે દરમ્યાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પુલ પરથી ખાબકતા ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.
કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માગ
ચિત્રોડી ગામ પાસે બની રહેલા પુલના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ ડાયવર્ઝન રસ્તા પર બેરીકેટ કે ભયસૂચક બોર્ડ કોન્ટ્રાક્ટર દ્વારા મુકવામાં ન આવતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જે દરમ્યાન સર્જાયેલ અકસ્માતમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચાર વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા દોષિત કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવાની પરિવારજનોએ માગ કરી છે.
અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નિયમો અંગે સુચનાઓ ન આપતા રોષ
સરા-ધ્રાંગધ્રા રોડ પરથી અનેક રાજકીય આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અવાર-નવાર પસાર થતા હોવા છતાં ડાયવર્ઝનના રસ્તા અને સુરક્ષાના નિયમોના પાલન અંગે સુચનાઓ કેમ નથી આપી ? તેવી ચર્ચાઓએ પણ જોર પકડયું છે અને અકસ્માતમાં ભોગ બનનાર પીડીતોને સહાય ચુકવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
કોન્ટ્રાક્ટરે નિયમોનું ઉલંધ્ધન કરી પુલ નજીકથી જોખમી ડાયવર્ઝન આપ્યું
પુલનું કામ કરતા કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન આપવા માટે એક પણ નિયમોનું પાન કર્યું નથી. પુલ તોડી નાંખ્યા બાદ તેની નજીકથી જોખમી ડાયવર્ઝન આપી દેતા રાત્રીના સમયે વાહન ચાલકોને બેરીકેટ કે ભય સુચક બોર્ડના અભાવે તુટેલો બ્રિજ નજરે પડે છે અને તેના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા અકસ્માત સર્જાય છે.