Get The App

વ્હીલ નીકળી જતાં કાર પલ્ટી, નેવીના મહિલા તાલીમાર્થી અધિકારીનું મોત

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
વ્હીલ નીકળી જતાં કાર પલ્ટી, નેવીના મહિલા તાલીમાર્થી અધિકારીનું મોત 1 - image

જામનગરના INS વાલસુરા નજીક બનાવ : પુણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટમાં જામનગર પહોંચેલા અધિકારીઓ કારમાં વાલસુરા જતા હતા ત્યારે અકસ્માત, 2 ઘાયલ

જામનગર, : જામનગરના INS વાલસુરા નજીક માર્ગ અકસ્માતમાં નેવીના એક યુવા મહિલા તાલીમાર્થી અધિકારીનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય એક મહિલા તાલીમાર્થી અધિકારી તથા નેવી અધિકારી સહિત બેને ઈજાઓ પહોંચી છે. આ બનાવે નેવી સંકુલમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ચાલુ કારમાંથી એકાએક કારનું એક વ્હીલ નીકળી જતાં  અકસ્માત થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, પુણે ખાતે તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચેલા નેવીના બે મહિલા  તાલીમાર્થી અધિકારીઓને તેડવા કાર લઇને નેવીના અધિકારી તેડવા ગયા હતા. ત્રણેય  કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેઇટથી આશરે એક કિલોમીટર દૂર અકસ્માત થયો હતો. ફરિયાદ મુજબ, નેવીના અધિકારી અનુવ્રત પાંડે કાર ચલાવી રહ્યા હતા. દરમિયાનકારનું એક વ્હીલ નીકળી જતા   સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.અને કાર પલ્ટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા અંશુ કિસનસિંહ (ઉ વ. 22)નામના મહિલા તાલીમાર્થી અધિકારી કારમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે કાર ચલાવતા નેવીના અધિકારી  અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ(ઉ.વ. 23)નામના મહિલા અધિકારીએ  સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને  ઈજાઓ થઇ હતી. આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા જામનગર પોલીસમાં કાર ચાલક અનુવ્રત પાંડે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.