- ઝડપાયેલા બુટલેગર સહિત બે વિરૂદ્ધ ગુનો
- દારૂની 47 બોટલો, મોબાઈલ, કાર સહિત રૂા. 3.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
લીંબડી : લીંબડી- હડાળા રોડ ઉપર કારમાંથી રૂા. ૬૧ હજારના દારૂની ૪૭ બોટલો સાથે બુટલેગરને પોલીસે ઝડપી પાડયો હતો. રૂા. ૩.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પાણશીણા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે જીલજીત ઉર્ફે જયરાજ ચંદુભા ઝાલા રહે. ભોયકા વાળો પોતાની કારમાં પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હડાળાથી ભોયકા તરફ જઈ રહ્યો હતો. પોલીસે રસ્તા પર વોચ ગોઠવીને જીલજીત ઉર્ફે જયરાજ ઝાલાને ઝડપી પાડયો હતો. તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ - ૪૭ જેની કિંમત ૬૧,૧૦૦ તથા ૩૦ હજારનો મોબાઈલ તેમજ રૂા. ૩ લાખની કાર મળી કુલ રૂપિયા ૩,૯૧,૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુ પુછપરછ કરતાં તે વિદેશી દારૂનો જથ્થો રાજુ રહે. ડીસા તાલુકો બનાસકાંઠાવાળા પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી બંને શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


