Gujarat

બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

By GS TEAM
28 Aug 20252 mins read
બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

- કાર ચાલકની અટકાયત કરી 3 વિરૂદ્ધ ગુનો

- દારૂના ક્વાટરિયા ભરેલી 20 પેટીઓ, કાર સહિત રૂા. 8.06 લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ : બોરસદ તાલુકાના ડભાસી ખાતેથી આણંદ એલસીબી પોલીસે કારમાં ભરેલો રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ મોકલનાર તથા મંગાવનાર સહિત કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલ રાતે પેટ્રોલિંગમાં હતી. બોરસદ તાલુકાના ડભાસી ગામે રહેતો સુરેશભાઈ ધુળાભાઈ પટેલ દારૂનું વેચાણ કરે છે અને હાલમાં કાર ડભાસી ગામમાં આવી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસની ટીમ ડભાસી ગામે અલગ અલગ રસ્તાઓ ઉપર વોચમાં હતી. દરમ્યાન વિરોલ તરફથી કારના ચાલકે પોલીસને જોઈ કાર પૂરઝડપે હંકારી મૂકી હતી. 

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પ્લોટ વિસ્તારમાં કારને ઝડપી પાડી હતી. પોલીસે કાર ચાલક સાહિલ દિનેશભાઈ પરમાર રહે. પેટલાદની અટકાયત કરી હતી. કારની પાછળની સીટ પરથી રૂા. ૩,૦૧,૪૪૦ના દારૂના ક્વાટરિયાની ૨૦ પેટી ઝડપાઈ હતી. દારૂ, કાર સહિત રૂા. ૮.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં દારૂનો જથ્થો બોરસદના ડભાસી ગામના સુરેશભાઈ ધુળાભાઈ પટેલે મંગાવ્યો હોવાનું તથા વડતાલના ધર્મેન્દ્ર પરમાર ઉર્ફે ચકા મામાએ મોકલ્યો હોવાની કબુલાત કરી હતી. દારૂ સાથે ઝડપાયેલા સાહિલ પરમારને બોરસદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.