સદનસીબે ચાલકનો બચાવ
વરસાદી ગટરને કન્સિલ્ડ કરવાની કામગીરીમાં બજાર વિસ્તારોને પ્રાથમિકતા આપવા માંગ
વિરમગામ - વિરમગામમાં જૂની તાલુકા પંચાયત પાછળ મિલ રોડ પર આજે બપોરે એક અલ્ટો કાર ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. કાર ચાલક જ્યારે ગાડી રીવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવતા કાર ગટરના કાદવ-કીચડમાં ફસાઈ ગઈ હતી.
સદનસીબે, ચાલક સમયસૂચકતા વાપરી કારમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ક્રેન બોલાવી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. આ ગટરમાં બારેમાસ કચરો અને ગંદુ પાણી ભરેલું રહેતું હોવાથી વાહનચાલકો માટે તે જોખમી બની છે.
ઉલ્લેખનીય છે કે, વિરમગામમાં ૪ કિમી લાંબી આ ગટરને કન્સિલડ (ઢાંકવાનું) કરવાનું કામ કરોડોના ખર્ચે એજન્સીને સોંપાયેલું છે. હાલ નીલકી બ્રીજ અને લાકડી પીઠા જેવા વિસ્તારોમાં કામ ચાલુ છે, પરંતુ મિલ રોડ જેવા ધમધમતા રસ્તા પાસે ગટર હજુ પણ ખુલ્લી છે. અવારનવાર અહીં પશુઓ અને વાહનો ગટરમાં ખાબકવાની ઘટનાઓ બને છે. સ્થાનિકોની માંગ છે કે જનતાની સુરક્ષા માટે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે.


