Gujarat

મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી

By GS TEAM
2 Dec 20252 mins read
મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી

રસ્તાની અધુરી કામગીરી અને ડાયવર્ઝનથી હાલાકી

કારમાં સવાર ત્રણ લોકોને ઇજા- આ રોડ પર અગાઉ 4 વ્યકિતના મોત થયા છતાં તંત્ર બેદરકાર 

સુરેન્દ્રનગરમૂળી તાલુકાના નાડધ્રીથી ખેતરડી તરફ જતો રસ્તો બિસ્માર બની જતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ડાયવર્ઝન પાસે ભય સૂચક બોર્ડ નહીં હોવાથી કાર નાળામાં ખાબકતા દોડધામ મચી ગઇ હતી અને કારમાં સવાર ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી. 

મુળીના નાડધ્રી થી ખેતરડી તરફ જતા રસ્તાની અધુરી કામગીરી છે. મુખ્ય રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણાં સમય રસ્તાના રીપેરીંગની કામગીરી બંધ છે અને ડાયવર્ઝન રસ્તા પાસે કોઈપણ જાતનું ભયસૂચક કે ચેતવણીનું બોર્ડ મુકવામાં આવ્યું નથી. આથી વાહન ચાલકોને ડાયવર્ઝન રસ્તો દૂરથી નજરે નથી પડતો અને સીધા આવીને બ્રેક મારતા વાહન પર કંટ્રોલ નહી રહેતા સીધા નાળામાં ખાબકે છે.  આ રસ્તા કાર ચાલકને રસ્તા પર ભય સૂચક બોર્ડ નહી હોવાથી સ્ટયેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી નાળા તરફ વળી ગઈ હતી અને નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાલક સહિત ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા આસપાસના ગ્રામજનો સહિત લોકોના ટોળે ટોળા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને નાળામાં ખાબકેલ કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર જ અગાઉ થોડા મહિના પહેલા ચિત્રોડી ગામ પાસે આજ પ્રકારે નાળામાં કાર ખાબકતા ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આ અંગે તાત્કાલિક યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.