- ઇમરાનના કહેવાથી ડ્રગ્સ લેવા મુંબઇ ગયા હતાઃ પોલીસને શંકા નહીં જાય તે માટે બે પૈકીના એક પેડલરે પોતાની 12 વર્ષની પુત્રીને સાથે રાખી હતી
સુરત
મુંબઇ-નાલાસોપારાથી કારમાં હેરાફેરી કરી સુરતમાં વેચવા માટે લાવવામાં આવી રહેલું 196.2 ગ્રામ એમડી ડ્રગ્સ નિયોલ ચેક પોસ્ટ પાસેથી પકડાવાના પ્રકરણમાં એસઓજીએ ડ્રગ્સ મંગાવનારને ઝડપી પાડી ક્રાઇમ બ્રાંચને હવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમાં લોક્ડાઉન બાદ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યાની કબૂલાત કરી છે.
સુરત એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગૃપ) ના એએસઆઇ મુનાફ ગુલામ અને પો.કો સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ખાલીદ અબ્દુલ રસીદ શેખ (ઉ.વ. 47 રહે. 6/247, શેખ કાલા સ્ટ્રીટ, રાંદેર બસ સ્ટેન્ડ પાસે) ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે દોઢ મહિના અગાઉ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી કાર નં. જીજે-5 આરએમ-4881 ને ઝડપી પાડી ડ્રાઇવર ઇમરાન અબ્દુલ રસીદ શેખ, વાહન દલાલ ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદ્દીન ખાન અને ઇંડાની લારી ચલાવતા મુઆઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદને ઝડપી પાડી તેમની પાસેથી 196.2 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂ. 2.49 લાખ મળી કુલ રૂ. 28.49 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. હત્યાના પ્રયાસમાં રાંદેર પોલીસના હાથે અગાઉ ઝડપાઇ ચુકેલા ઇમરાન અને મુઆઝ ડ્રગ પેડલર તરીકે કામ કરતા હતા.

જે અંતર્ગત ઇમરાન ખાન અને મુઆઝ કાર ડ્રાઇવર ઇમરાન શેખ સાથે કારમાં મુંબઇના નાલાસોપારાથી ડ્રગ્સ લઇને પરત આવતા હતા ત્યારે ઝડપાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસને શંકા નહીં જાય તે માટે ઇમરાન ઉર્ફે બોબા પોતાની સાથે 12 વર્ષની પુત્રીને પણ લઇ ગયો હતો. જયારે આજે ઝડપાયેલો અબ્દુલ કાર ચાલક ઇમરાન શેખનો ભાઇ છે અને લોક્ડાઉન બાદથી તેણે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો અને તેના કહેવાથી જ નાલાસોપારા ડ્રગ્સ લેવા ગયા હતા.


