- કાર રોડની સાઇડમાં ખાબકતા પાંચ વ્યક્તિને સામાન્ય ઈજા
- અમદાવાદનો પરિવાર મુળી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત નડયો
લખતર : અમદાવાદના મણીનગરમાં રહેતો પરિવાર કાર લઈને સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાં આવેલ ધામક સ્થાનો પર ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે કાર ચાલકે લખતરના સરધારા ડેમ પાસે સ્ટિરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ ગોવિંદવાડી મણીનગરમાં રહેતા ઉમંગભાઈ પરમાર પરિવાર સાથે કાર લઈને મુળી ખાતે આવેલા સ્વામિનારાયણ તેમજ માંડવરાયજી મંદિરે દર્શન કરી પરત અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન લખતર-ઝમર રોડ પર આવેલ સરધરા ડેમ પાસે અચાનક ચાલકે સ્ટિરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક સહિત ચારથી પાંચ વ્યકિતઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી જો કે કારને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


