વડોદરા,જેલ રોડ પર ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ ભાગી જનાર કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.
મકરપુરા રોડ શિવદાસ નગરમાં રહેતા સંદિપ કુબેરભાઇ ચાંપાનેરી જી.એસ.એફ.સી. છાણીમાં સિનિયર પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત ૩૦ મી ઓક્ટોબરે સવારે પોણા છ વાગ્યે તેઓ ટુ વ્હિલર લઇને ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા. લાલબાગ બ્રિજ પર એક કાર ચાલકે ઓવરટેક કરવા જતા તેઓને ટક્કર મારી હતી. થોડે આગળ જિલ્લા પંચાયતની ઓફિસ સામે પહોંચતા ફરીથી તે જ કારના ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને ફ્રેક્ચર થયું હતું. તેમજ બંને હાથની આંગળીઓ અને ઘૂંટણ પર ઇજા થઇ હતી. સારવાર પછી સારું થતા તેમણે અકસ્માત અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


