મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર
પતિ, પત્ની અને ૮ વર્ષની પુત્રીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
  વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પર બાઇક સવારને ટક્કર મારીને ભાગી જનાર કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પર બાઇક સવારને ટક્કર મારીને ભાગી જનાર કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
ગોરવા લક્ષ્મીપુરા રોડ પર માધવ પાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઇ રાજેશભાઇ ભટ્ટ કર્મકાંડ કરે છે. નવા વર્ષના દિવસે પત્ની અને ૮ વર્ષની દીકરી સાથે બાઇક પર નારેશ્વરથી ઘરે આવી રહ્યા હતા. મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પર તેઓ બાઇક લઇને જતા હતા. વડસર બ્રિજ પહેલા ટેકનો સોલ્યુશન પ્રા.લિ. કંપનીની બાજુની ગલીમાંથી બપોરે બે વાગ્યે તેઓ જઇ રહ્યા હતા. તે દરમિયાન એક કાર ચાલકે અચાનક તેઓની બાઇકને ટક્કર મારતા ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. લોકોનું ટોળું ભેગું થઇ જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. દિવ્યેશભાઇ તથા તેમના પત્નીને ડાબા પગે ઇજા થઇ હતી. જ્યારે તેમની દીકરીને કપાળના ભાગે ઇજા થઇ હતી. સારવાર કરાવ્યા પછી તેઓએ હાલમાં આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.


